હાલોલ કોર્ટે તપાસ અધિકારી સામે ખાતાકિય કાર્યવાહી કરવા હુકમ કર્યો : તપાસ અધિકારી દ્વારા મહત્વના દસ્તાવેજો પુરાવા તરીકે રેકર્ડ પર લાવ્યા ન હતા

વેજલપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ-2020માં ફારૂમ અબ્દુલ કાદિર જમાલ ઉર્ફે ગુલઝાર સામે કતલના ઈરાદે ગાયો અને બળદ પોતાના ધરે લાવી બાંધી સંતાડી રાખેલ હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ કરી ત્રણ ગાય અને ત્રણ બળદ પકડ્યા હતા. ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ મુજબ ચાર્જશીટ કરીહતી. જે કેસ હાલોલના ત્રીજા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં આરોપીના વકીલ કે.ડી.મલેક દ્વારા દલીલો કરાઈ હતી. જેમાં બનાવ સમયે આરોપીની હાજરી તથા મકાનમાંથી ગોૈવંશ મળ્યો તે મકાન આરોપીનુ હોવાનો નકકર પુરાવો ન હતો. તપાસ અધિકારી લીડિંગ પાર્ટીના મેમ્બર હતાની ઉલટ તપાસમાં બહાર આવ્યુ છે. સમગ્ર મામલે જજ બી.ડી.પરમાર દ્વારા બનાવની જગ્યાના કબ્જેદાર માલિક આરોપી છે તેવો કોઈ દસ્તાવેજી પુરાવો ફરિયાદ પક્ષે રજુ કર્યો નથી. વધુમાં તપાસ અધિકારી દ્વારા મહત્વના દસ્તાવેજી પુરાવા તરીકે રેકર્ડ પર લાવ્યા ન હોવાથી આરોપી સામે ગુનો પુરવાર થતોનથી. તે માટે તપાસ અધિકારી સામે ખાતાકિય કાર્યવાહી કરવા સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન મુજબ જિલ્લા પોલીસ અધિક્ષકને ચુકાદાની નકલ મોકલવા ઠરાવી આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો હુકમ કર્યો છે. પંચમહાલ એસ.પી.એ આ ચુકાદાની નકલ મળ્યાના 30 દિવસમાં કેસ બાબતે શરૂ કરેલ કાર્યવાહી વિગત અત્રેની કોર્ટને બિનચુક મોકલવા જણાવવામાં આવ્યુ છે.