ધાર્મિક અને સામાજીક પ્રસંગોમાં ડી.જે.ના ઉપયોગ પર નિયંત્રણ : પંચમહાલ જીલ્લામાં જાહેરનામું

પંચમહાલ જીલ્લાના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરી ધાર્મિક તથા સામાજીક સમારોહોમાં સરઘસ, રેલી અને વરઘોડા દરમિયાન ડી.જે., લાઉડ સ્પીકર તથા અન્ય ધ્વનિ વિસ્તરણ સાધનોના ઉપયોગ અંગે નિયંત્રણો લાદવામાં આવ્યા છે. જાહેરનામા મુજબ ધ્વનિ પ્રદૂષણના કારણે જનજીવન તથા લોકોના સ્વાસ્થ્યને થતી અસરોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જાહેરનામા અનુસાર સરઘસ, રેલી અને વરઘોડા દરમિયાન ડી.જે. સહિતના ધ્વનિ વિસ્તરણ સાધનોના અતિશય ઉપયોગથી જાહેર માર્ગો પર ટ્રાફિકને અડચણ, ધ્વનિ પ્રદૂષણ તથા સલામતી સંબંધિત પ્રશ્નો ઊભા થવાની શક્યતા રહે છે. આથી ડી.જે.ના ઉપયોગથી વાહનોના હોર્નના અવાજ સંભળાતા ન હોવાના કારણે અકસ્માતો સર્જાવાની સંભાવના તેમજ ધ્વનિ પ્રદૂષણથી લોકોના સ્વાસ્થ્ય પર થતી અસરોને ધ્યાનમાં લેવામાં આવી છે.

જાહેરનામા મુજબ ડી.જે.ના ઉપયોગ માટે સંબંધિત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને જી.પી.સી.બી. દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી અવાજની મર્યાદાનું પાલન કરવાનું રહેશે. ડી.જે.ના ઉપયોગ માટે પરવાનગી મેળવવા તેમજ નક્કી કરાયેલા સમય અને શરતોનું પાલન કરવું ફરજીયાત રહેશે.

સરકારી કચેરીઓ, હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો, ધાર્મિક સ્થળો સહિતના સ્થળોની આસપાસ ૧૦૦ મીટરના વિસ્તારમાં શાંતિ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હોવાથી ત્યાં ડી.જે.નો ઉપયોગ કરી શકાશે નહીં. ઉપરાંત, કંપની લગાવેલા ઉદ્યોગોના ઉદ્ઘાટન કે અન્ય કાર્યક્રમોમાં ડી.જે.નો ઉપયોગ કરવાની પણ મનાઈ કરવામાં આવી છે.

જાહેરનામા હેઠળ ધ્વનિ પ્રદૂષણના નિયમો મુજબ ડી.જે.ના ઉપયોગ માટે નિર્ધારિત ધ્વનિ મર્યાદા જાળવવાની રહેશે. ઔદ્યોગિક વિસ્તારમાં દિવસ દરમિયાન ૭૫ અને રાત્રે ૭૦, વાણિજ્યિક વિસ્તારમાં ૬૫ અને ૫૫, રહેણાંક વિસ્તારમાં ૫૫ અને ૪૫ તથા સાઇલેન્ટ ઝોનમાં ૫૦ અને ૪૦ ડીબી(એ)ની મર્યાદા દર્શાવવામાં આવી છે.

આ જાહેરનામું તા.૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.