
દમણ અને દીવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. દમણ સેશન્સ કોર્ટે નીચલી અદાલત દ્વારા ફટકારવામાં આવેલી બે વર્ષની સજાના અમલ પર સ્ટે આપવાની તેમની અરજી ફગાવી દીધી છે. સેશન્સ કોર્ટના આ નિર્ણય બાદ હવે ઉમેશ પટેલ માટે સાંસદ પદ પર કાયદાકીય સંકટ ઊભું થયું છે.
દમણની સ્પોર્ટ્સ ક્લબ ખાતે એક્સાઇઝ સબ-ઇન્સ્પેક્ટરની ભરતી માટે શારીરિક કસોટી યોજાઈ હતી. આ દરમિયાન ઉમેશ પટેલ સામે ફરજ પર હાજર પોલીસકર્મીઓ સાથે ધક્કામુક્કી કરવા, બળજબરીથી ઓફિસમાં પ્રવેશવા અને સરકારી સમિતિના સભ્યોને તેમની ફરજ બજાવવામાં અડચણ ઊભી કરવાનો કેસ નોંધાયો હતો.
આ કેસમાં નીચલી અદાલતે ઉમેશ પટેલને સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવા અને કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવા બદલ બે વર્ષની જેલની સજા સંભળાવી હતી. આ ચુકાદા સામે તેમણે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી.
અપીલની કાર્યવાહી દરમિયાન સજાનો અમલ રોકવામાં આવે તે માટે ઉમેશ પટેલે સેશન્સ કોર્ટમાં ઈ-અરજી કરી હતી. તેમના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ દલીલ કરવામાં આવી હતી કે બે વર્ષની સજા યથાવત રહે તો લોકપ્રતિનિધિત્વ કાયદાની જાગવાઈઓ હેઠળ સાંસદ તરીકેની તેમની લાયકાત પર સીધી અસર પડી શકે છે.
સેશન્સ કોર્ટે સજા પર સ્ટે આપવાની અરજી નામંજૂર કરી છે. આ નિર્ણયથી ઉમેશ પટેલને મોટો કાયદાકીય ઝટકો લાગ્યો છે. હવે નીચલી કોર્ટની બે વર્ષની સજા સામે ઉપરની અદાલતમાં રાહત મેળવવાનો માર્ગ તેમના માટે મહત્વનો બની ગયો છે.
સેશન્સ કોર્ટમાંથી રાહત ન મળ્યા બાદ ઉમેશ પટેલ હવે મુંબઈ હાઈકોર્ટનો દરવાજા ખટખટાવી શકે છે. જો ઉપલી અદાલત સજા પર સ્ટે આપે તો તેમના સાંસદ પદને લઈને ઊભી થયેલી કાયદાકીય મુશ્કેલીમાં રાહત મળી શકે છે. આથી હવે ઉમેશ પટેલ હાઈકોર્ટમાં કઈ કાયદાકીય કાર્યવાહી કરે છે અને કોર્ટ તરફથી શું નિર્ણય આવે છે તેના પર દમણ-દીવના રાજકીય વર્તુળોની નજર રહેશે.