મહીસાગર જિલ્લાના બાકોર ખાતે MGVCL ની પ્રશંસનીય કામગીરી: વારંવાર ખોટકાતા વીજ પુરવઠાનો કાયમી ઉકેલ લવાયો

બાકોર સબ ડિવિઝન દ્વારા ખુટેલાવ અને ભાદર ડેમ જ્યોતિગ્રામ લાઈનમાં ૪.૫ કિ.મી. ઓપન કંડક્ટર બદલી ઇન્સ્યુલેટેડ કેબલ નખાયો

જિલ્લાના નાગરિકોને સતત અને વિના વિક્ષેપે વીજ પુરવઠો મળી રહે તે માટે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે બાકોર સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારોમાં વારંવાર વીજ ફોલ્ટ સર્જાતો હોવાની સમસ્યાનું વીજ કંપનીની ટીમ દ્વારા ત્વરિત અને કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, બાકોર સબ ડિવિઝનના ઈનચાર્જ નાયબ ઈજનેર શ્રી આર.બી. માલીવાડે આ સમસ્યામાં અંગત રસ દાખવીને પોતાની ટીમ સાથે ફિલ્ડ પર ઉતરીને કામગીરી હાથ ધરી હતી. ટીમ દ્વારા આજે ખુટેલાવ અને ભાદર ડેમ જ્યોતિગ્રામ (JGY) લાઇન પર જે લોકેશન પર વારંવાર ફોલ્ટ સર્જાતા હતા, ત્યાં મેન્ટેનન્સની સઘન કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત આશરે ૪.૫ કિલોમીટર લંબાઈના જૂના ઓપન કંડક્ટરને બદલીને તેની જગ્યાએ નવો અને વધુ સુરક્ષિત ઇન્સ્યુલેટેડ કેબલ નાખવામાં આવ્યો છે.

વારંવાર સર્જાતા વીજ ફોલ્ટમાંથી કાયમી મુક્તિ અપાવવા બદલ અને MGVCL ની ટીમની આ ત્વરિત અને પ્રશંસનીય કામગીરીની સ્થાનિક ગ્રાહકોમાં ભારે પ્રશંસા થઈ રહી છે.