પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના કેટલાક ગામોમાં ગ્રામસભા અને સામાન્ય સભા નિયમિત રીતે યોજાતી ન હોવાની ફરિયાદો વચ્ચે સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. ગ્રામજનોની રજૂઆતો બાદ તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ હોવાની વાતો વચ્ચે હવે તપાસનું શું થયું તે અંગે લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે.
ગ્રામસભા એ ગ્રામજનોને ગામના વિકાસના કામો, સરકારી યોજનાઓ, જાહેર પ્રશ્નો તથા સ્થાનિક સમસ્યાઓ અંગે રજૂઆત અને ચર્ચા કરવાની મહત્વપૂર્ણ લોકશાહી વ્યવસ્થા છે. ત્યારે કેટલાક ગામોમાં ગ્રામસભા નિયમિત રીતે યોજાતી ન હોવાના આક્ષેપો થયા બાદ ગ્રામજનો દ્વારા જીલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી તપાસની માંગ કરવામાં આવી હતી.
ગ્રામજનોનો મુખ્ય સવાલ છે કે, ફરિયાદો બાદ વહીવટી તંત્ર દ્વારા ખરેખર તપાસ હાથ ધરવામાં આવી છે કે નહીં? જો તપાસ કરવામાં આવી હોય તો તેનો અહેવાલ શું આવ્યો? ગ્રામસભાની કાર્યવાહી અને ઠરાવોની નોંધ કરવામાં આવી છે કે નહીં? તેમજ નિયમોના ભંગની બાબત સામે આવી હોય તો જવાબદારો સામે શું કાર્યવાહી કરવામાં આવી? તે અંગે તંત્ર તરફથી સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
સ્થાનિક સ્તરે કેટલાક તલાટીઓ રાજકીય વગનો સહારો લેતા હોવાના આક્ષેપોની પણ ચર્ચા થઈ રહી છે. જોકે, આ આક્ષેપોની સત્યતા અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો જ આક્ષેપોમાં કેટલું તથ્ય છે, તે સ્પષ્ટ થઈ શકે તેમ છે.
ગ્રામજનોનું કહેવું છે કે, ગ્રામસભા માત્ર કાગળ પરની ઔપચારિક બેઠક બની રહેવી જોઈએ નહીં. ગામના વિકાસલક્ષી કામો, સરકારી યોજનાઓ, જાહેર સમસ્યાઓ અને ગ્રામજનોની રજૂઆતો અંગે ચર્ચા કરી યોગ્ય ઠરાવો કરવામાં આવે અને તેની કાર્યવાહીનું નિયમિત દસ્તાવેજીકરણ થાય તે જરી છે.
હવે ગ્રામજનોની નજર જીલ્લા અને તાલુકા વહીવટી તંત્રની આગામી કાર્યવાહી પર છે. અગાઉ થયેલી રજૂઆતોના આધારે તપાસ થાય છે કે નહીં અને જો નિયમોના ભંગની હકીકત સામે આવે તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં, તે જોવાનું રહેશે.
તંત્ર દ્વારા સમગ્ર મામલે પારદર્શક તપાસ કરી હકીકત જાહેર કરવામાં આવે તેવી માંગ વચ્ચે ઘોઘંબા તાલુકામાં ગ્રામસભા અંગેની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે.