વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પશુ દવાખાનાની પાછળ ઝાડી ઝાંખરામાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા ચાર ઈસમોને ગોધરા કઈઇ ટીમે રેઇડ કરીને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા તથા જુગારનું સાહિત્ય જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગોધરા કઈઇ પોલીસનો સ્ટાફ વેજલપુર વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન વેજલપુર-મહેલોલ ચોકડી પાસે બાતમી મળી હતી કે પશુ દવાખાના પાછળ આવેલ ઝાડીઓમાં કેટલાક ઈસમો વરલી મટકાના આંકડા લખી પૈસા વડે હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો હતો.
રેઇડ દરમિયાન પોલીસે સ્થળ પરથી ચાર ઈસમોને કોર્ડન કરીને પકડી પાડ્યા હતા:
મિતેષભાઈ દિલીપભાઈ ચૌહાણ (ઉ.વ. ૩૬, રહે. મહેલોલ, તા. ગોધરા), અનિશ અબ્દુલ રહેમાન નાના (ઉ.વ. ૩૨, રહે.વેજલપુર મોટા મહોલ્લો, તા.કાલોલ), ભરતકુમાર કાન્તિલાલ પરમાર (ઉ.વ. ૩૦, રહે. વેજલપુર,તા. કાલોલ), કાળુભાઈ ગોરધનભાઈ નાયક (ઉ.વ. ૫૫, રહે. કાલંત્રા જમનાપુરા ફળિયું, તા.કાલોલ).
પોલીસે આરોપીઓની અંગ ઝડતી લેતા તેમની પાસેથી રોકડા રૂ.૧૩,૪૦૦/-, વરલી મટકાના આંકડા લખેલી સ્લીપબુક, કાર્બન પેપર, બોલપેન તથા આંકડા લખેલ પરચીઓ કબ્જે કરી હતી. આ મામલે પોલીસે ચારેય આરોપીઓ સામે જુગારધારા કલમ ૧૨(અ) મુજબ ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. દિગ્પાલસિંહને સોંપી છે.