
છોટા ઉદેપુર જીલ્લાની ઝોઝ પોલીસે ભીલપુર ફાટક પાસેથીરૂ.૨૪,૦૮,૭૮૪/- ના વિદેશી દારૂ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. આ દારૂ આઇશર ટેમ્પોમાં ચોરખાનું બનાવીને લઈ જવામાં આવી રહ્યો હતો.
છોટા ઉદેપુર એક સરહદી જીલ્લો હોવાથી અહીં પરપ્રાંતમાંથી વિદેશી દા ઘુસાડવાના પ્રયાસો વારંવાર થાય છે. જીલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે. ઝોઝ પોલીસે દારૂ ની વધુ એક ખેપ ઝડપી પાડી છે.
ઝોઝ પોલીસ સ્ટેશનના પીઆઈ જીતેન્દ્ર વસાવાને બાતમી મળી હતી કે એક આઇશર ટેમ્પોમાં ચોરખાનું બનાવીને વિદેશી દારૂ ભીલપુર, બરોજ, જામરણ થઈને લઈ જવામાં આવશે. આ બાતમીના આધારે ઝોઝ પોલીસે ભીલપુર ફાટક પાસે વોચ ગોઠવી હતી.
વોચ દરમિયાન બાતમી મુજબનો આઇશર ટેમ્પો આવતા તેને રોકવાનો ઈશારો કરાયો હતો. ટેમ્પોમાં સવાર એક ઈસમ ઉતરીને ફરાર થઈ ગયો હતો, જ્યારે ચાલકે ટેમ્પો ઊભો રાખ્યો હતો.
પોલીસે ટેમ્પોની તપાસ કરતા પાછળના ભાગે ચોરખાનું બનાવેલું જણાયું હતું. તેને વેલ્ડીંગ કટરથી તોડીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૭૫૦૪ બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ.૨૪,૦૮,૭૮૪/- છે. ઝોઝ પોલીસે વિદેશી દારૂ, આઇશર ટેમ્પો સહિત કુલ રૂ.૩૦,૫૮,૭૮૪/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટેમ્પો ચાલક રમેશભાઈ છગનભાઈ કનેશ (રહે. તલાદ ઉકલા ફળિયા, પો. કાનાકાકડ, જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ) ને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.