પાવગઢ ગામમાં પ્રવેશવાના મુખ્ય પ્રવેશદ્વાર નજીકમાં આવેલ બગીચાના ગેટના મરામતને પગલે પુરાતત્વ વિભાગ દ્વારા પોલીસ બેરિકેટીંગ મુકી પ્રવેશદ્વાર બંધ કરી દેવાતા ગ્રામજનો સહિત પાવાગઢ દર્શને આવતા યાત્રાળુઓને ફરીથી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
પાવાગઢ બસ સ્ટેન્ડ સામે આવેલ ગામના મુખ્ય દ્વારની બાજુમાં નાનો બગીચો આવેલો છે. બગીચાના પ્રવેશદ્વારનો પિલ્લ્ર એક સપ્તાહ અગાઉ અસરગ્રસ્ત થઈ જતાં પુરાતત્વ વિભાગ દ્વારા ગેટનુ સમારકામ શરૂ કરાયુ હતુ. તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ગામનો મુખ્ય પ્રવેશદ્વાર ફરીથી બંધ કરી દેવાતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. પ્રવેશદ્વાર બંધ હોવાથી ગામમાં આવવા-જવા માટે બે કિ.મી. ફરીને અવર જવર કરવી પડે છે. વધુમાં ગામમાં હોટલો,ધર્મશાળાઓ, બેંકો, એટીએમ હોવાથી યાત્રાળુઓ અટવાઈ પડે છે. રવિવારની રજાને લઈ મોટી સંખ્યામાં આવેલા યાત્રાળુઓ ગામમાં જવા માટે અટવાઈ પડ્યા હતા. ત્યારે પુરાતત્વ વિભાગ દ્વારા બગીચાના સમારકામની કામગીરી પુર્ણ થઈ ગઈ હોય ટુંક સમયમાં ગામનો મુખ્ય પ્રવેશદ્વાર ખુલ્લો થઈ જશેની આશા સેવાઈ રહી છે.