
ગોધરા ફાસ્ટ ટ્રેક સેશન્સ કોર્ટે વર્ષ 2003માં અપાયેલા ચુકાદામાં નિર્દોષ છૂટેલા ત્રણ વ્યક્તિઓ જગદીશ ત્રિવેદી, રમેશ ડામોર અને મોહન પંચાલ સામે ગુજરાત હાઇકોર્ટમાં વર્ષ 2004માં રાજ્ય સરકાર દ્વારા અપીલ દાખલ કરવામાં આવી હતી. જો કે હાઇકોર્ટે સરકારની અપીલ નકારીને ત્રણેય વ્યક્તિઓને નિર્દોષ છોડ્યા છે અને ફાસ્ટ ટ્રેક કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો છે.
2002માં ખાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો મામલો કેસને વિગતે જોતા વર્ષ 2002ના ગુજરાત રમખાણો દરમિયાન ફરિયાદી આરજુબેન શેખે ખાનપુર પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ જે ગામમાં રહેતા હતા તે ગામના ભરવાડ સમાજ દ્વારા મુસ્લિમોને જાણ કરાઈ હતી કે તેમની ઉપર હુમલો થવાની શક્યતા છે. તેથી તેઓએ પોતાના સગાઓ સાથે ગામ છોડીને સુરક્ષિત સ્થળે જતા રહેવું જોઈએ. આથી ફરિયાદી પોતાના પરિવાર અને ગામના 30 થી 35 પરિવારો કરાતાં ગામ જવા નીકળ્યા હતા. જેમાં એક ટેમ્પોમાં 40 જેટલા લઘુમતી સમુદાયના લોકો હતા.
ટેમ્પો જ્યારે કરાંતા જતા લીંબડીયા ચાર રસ્તાથી ડાબી તરફ વળ્યો, ત્યારે તે તૂટી ગયો હતો. આ દરમિયાન 100 જેટલા લોકોનું ટોળું મારો કાપો કરતું ટેમ્પો ઉપર હુમલો કરવા આવ્યું હતું. જેથી ટેમ્પોમાંથી બધા કૂદીને દોડવા લાગ્યા હતા. જેમાંથી ચારથી પાંચ લોકો ફરિયાદી મહિલાની પાછળ પણ પડ્યા જેઓએ ફરિયાદીને હાથમાં તલવારોના ઘા માર્યા હતા. ફરિયાદી મહિલા રોડની એક બાજુમાં કેબિનની પાછળ મૃત્યુ પામ્યા હોવાનું નાટક કરતાં પડ્યા રહ્યા. ત્યારે તેમને સાંભળ્યું કે ટોળામાંથી એક જણે કહ્યું કે, ટેમ્પો ઉપર કેરોસીન નાખીને તેને સળગાવી નાખો અને તે પ્રમાણેનું કૃત્ય કરવામાં આવ્યું.
ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી. પોલીસ ફરિયાદીને ઊભા કરીને લુણાવાડા ખાતે હોસ્પિટલે સારવાર માટે લઈ ગઈ બાદમાં ખાનપુર પોલીસ મથકે મહિલાની ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસી આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી. જ્યારે ભાગેડુ આરોપીઓ સામે પુરવણી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. જેમાં બે કેસ નંબર પડ્યા હતા.
જેના નામ આપ્યા તેને આરોપી ન બનાવાયાની પીડિતની રજૂઆત હતી હાઇકોર્ટમાં સરકાર તરફથી રજૂઆત કરાઈ હતી કે ઉપરોક્ત સમયગાળામાં બે અલગ અલગ ઘટનાઓ બની હતી. જે બંનેને એક સાથે નોંધવામાં આવી છે. પરંતુ ખરેખરમાં બે અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધવાની જરૂર હતી. બંનેના સાહેદ અને પીડિતો પણ અલગ અલગ છે. આથી હાઇકોર્ટે કોઈ સિનિયર ઓફિસરને આ કેસમાં ફરીથી તપાસના આદેશ આપવા જોઈએ. કોર્ટે પોતાના ચુકાદામાં તપાસમાં રહેલી ખામીઓ અને પીડિતોના આક્ષેપો અંગે નોંધ કરી છે. તેમજ સિનિયર ઓફિસરને તપાસ સોંપવા અંગે સલાહ આપી છે. પીડિતાએ કહ્યું કે તેઓએ જે જેના નામ આપ્યા તે વ્યક્તિઓને આરોપી બનાવાયા નથી.
પોલીસે પંચનામામા જે વ્યક્તિઓ પાસેથી હથિયાર મેળવ્યા છે, તેમનું નામ આરોપીઓમાં નથી. કેસમાં 65 પુરાવા અને 15 સાહેદ રજૂ કરવામાં આવ્યા હતા. ફરિયાદી પોતે ઘાયલ અને આંખો દેખ્યા સાક્ષી હતા. તેણે આરોપીના નામ આપ્યા છે. વળી આરોપીઓ એક લઘુમતી સાહેદને ત્યાંથી જ કેરોસીન લઈને ગયા હતા. બે મૃતકોને ધારિયા મારતા ફરિયાદીના પતિએ સંતાઈને જોયા છે. કેટલાક સાહેદો તપાસાયા નથી. પોલીસે ઘટના સ્થળનું પંચનામું પણ કર્યું હતું. જેથી ફરી તપાસ કરાય અને ફરી ટ્રાયલ કરવામાં આવે.
એક સાહેદે કહ્યું હતું કે ટોળામાં જગદીશ ત્રિવેદી, મોહન અને રમેશ ડામોર નહોતા. રમેશભાઈ ટ્રેક્ટરમાં કેરોસીન લઈને ગયા તે ઘર સળગાવ્યાનો બનાવ અને લીંબડીયા આગળ ટેમ્પો સળગાવવાનો બનાવ અલગ અલગ છે. એક સાહેદે કહ્યું કે, 500 થી 700 નું ટોળું ટેમ્પા બાજુ આવ્યું હતું. એકે કહ્યું કે 150 થી 200 નું ટોળાએ ઘરને આગ લગાડી હતી. મોહસીને કહ્યું હતું કે, સોથી 200થી 300 ના ટોળાએ તેના પિતા અને માતાને મારી નાખ્યા. તેમની પાસે પેટ્રોલ અને તલવાર જેવા ઘાતક હથિયારો હતા. ત્યારે તેને ત્રણ જ વ્યક્તિઓને ઓળખી બતાવ્યા હતા. યુનુસ કહ્યું હતું કે તેના ઘરે 150 થી 200 ના ટોળાએ આગ લગાવી હતી. ઘટના સ્થળે 8 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા હતા.
કેસ શંકા્રહિત પુરવાર કરવામાં પ્રોસિક્યુશન નિષ્ફળ- કોર્ટ કોર્ટે નોંધ્યું હતું કે, આ કેસમાં મોટાભાગના સાક્ષીઓ ફરી ગયા છે. કેસ શંકા રહિત પુરવાર કરવામાં પ્રોસિક્યુશન નિષ્ફળ નિવડતા ત્રણ નિર્દોષ છૂટેલા આરોપીઓને શંકાનો લાભ અપાયો છે. જ્યાં મોટાભાગના સાક્ષીઓ ફરી ગયા છે. ફરિયાદીએ ફરિયાદ અને તપાસના સ્થળે નહીં પરંતુ ટ્રાયલ સમયે આરોપીઓના નામ આપ્યા છે. વળી ફરિયાદીએ પ્રોસિક્યુશનાના કેસને સપોર્ટ કર્યો નથી. તેને કોઈ આરોપીનું નામ આપ્યું નથી. ફરિયાદીના પતિએ બીજા આરોપીઓના નામ આપ્યા છે. આ કેસમાં જે ત્રણ લોકોને છૂટ્યા છે, તેના નામ આપ્યા નથી. હાઇકોર્ટે શંકાથી રહિત કેસ પુરવાર કરવામાં નિષ્ફળતા અને સાહેદોના હોસ્ટાઇલ થવાને લઈને રાજ્યની અપીલ નકારી નાખી હતી અને ગોધરા ફાસ્ટટ્રેક કોર્ટના હુકમને યોગ્ય ઠેરવ્યો હતો.