દાહોદમાં બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી:જનજાતીય ગૌરવ દિવસ માટે આયોજન બેઠક, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીનાએ આપ્યા સૂચનો

દાહોદમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે “જનજાતીય ગૌરવ દિવસ”ની ઉજવણી માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સંદર્ભે એક આયોજન બેઠક યોજાઈ હતી, જેમાં કાર્યક્રમના સુચારુ અમલીકરણ માટે વિવિધ વિભાગોને સૂચનો આપવામાં આવ્યા હતા. આ બેઠક પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીનાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. તેમણે કાર્યક્રમના સફળ આયોજન માટે તમામ વિભાગોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

દેવેન્દ્ર મીનાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દરેક વિભાગને સોંપાયેલી કામગીરી સમયસર અને કાળજીપૂર્વક પૂર્ણ થવી જોઈએ. તેમણે આદિજાતિ ગૌરવની ઉજવણીને ભવ્ય અને લોકસહભાગી બનાવવા માટે પરંપરાગત પોશાકમાં લોકોની ભાગીદારી વધારવા પર ભાર મૂક્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 1 થી 15 નવેમ્બર, 2025 દરમિયાન રાજ્યભરમાં “જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ” ઉજવાઈ રહ્યો છે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતભરમાં બે રૂટ મારફતે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રથયાત્રાના રૂટ-2 અંતર્ગત દાહોદ જિલ્લાનો સમાવેશ 10 નવેમ્બર, 2025ના રોજ કરવામાં આવ્યો છે. રથયાત્રાનો સ્વાગત કાર્યક્રમ ભરૂચ જિલ્લાના વાલીયા ખાતે યોજાશે, જે દાહોદ જિલ્લાના સુખસર, ઝાલોદ, કંબોઈ, દાહોદ, ગરબાડા, ધાનપુર અને લીમખેડા તાલુકાઓને આવરી લેશે.

જિલ્લાના ગામોમાં રૂટ મુજબ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. રથયાત્રા દરમિયાન અને રાત્રિ રોકાણ સમયે ભગવાન બિરસા મુંડાના જીવન, તેમના સંઘર્ષ અને આદિજાતિ વિકાસની ગાથાઓ નાટક, સભા, સંવાદ અને વક્તૃત્વ સ્પર્ધાઓ દ્વારા રજૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *