સુરતના ડુમ્મસમાં દારૂ-બિયરની હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસની રેડઃ ૮ મહિલાઓ સહિત ૨૨ લોકોની ધરપકડ

સુરતના પ્રખ્યાત ડુમ્મસ વિસ્તારમાં મોડી રાત્રે પોલીસે એક મોટી કાર્યવાહી કરીને ચાલી રહેલી દારૂની બર્થડે પાર્ટીનો પર્દાફાશ કર્યો છે. ડુમ્મસ રોડ પર આવેલી ‘બાપુજીની વાડી’ નામના એક બંગલા/ફાર્મહાઉસમાં જન્મદિવસની ઉજવણીના નામે વિદેશી દારૂ અને બિયરની મહેફિલ માણવામાં આવી રહી હતી. ગુપ્ત બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ઘટનાસ્થળેથી ઉજવણી કરી રહેલા યુવક-યુવતીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

મળતી માહિતી મુજબ, આ બર્થડે પાર્ટીમાં મોટી સંખ્યામાં ટીનેજર્સ (સગીરો અને યુવાનો) એકઠા થયા હતા. ઉજવણી દરમિયાન કાયદાના ધજાગરા ઉડાડીને વિદેશી દારૂ અને બિયરની મહેફિલ માણવામાં આવી રહી હતી. પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી દારૂની સીલપેક બોટલો તેમજ વપરાયેલી બોટલો સહિત કુલ ૬ દારૂ-બિયરની બોટલો કબ્જે કરી છે. શાંત વાતાવરણ ધરાવતા ફાર્મહાઉસમાં ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પોલીસની આડકતરી કાર્યવાહીથી સમગ્ર

વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે. પાર્ટીમાં લુડો ગેમ મારફતે પાસા ફેકવામાં આવતા હતા અને વન ટાઈમ સોટ્‌સ, ડ્રિન્ક , જેવી ગેમ રમવામાં આવતી હતી. ફાર્મ હાઉસમાં પાંચથી છ જેટલી દારૂની ખાલી બોટલો મળી આવી છે. આ સિવાય બર્થ ડે કેક, પીઝા સહિતના ખાદ્ય વસ્તુઓ જોવા મળી હતી. સિગારેટના બોક્સ પણ મળી આવ્યા હતા.

પોલીસે ઘટનાસ્થળેથી ૮ મહિલાઓ (યુવતીઓ) સહિત એકંદર ૨૨ જેટલા લોકોની અટકાયત કરી છે. પકડાયેલા તમામ લોકો ટીનેજર વયજૂથના હોવાનું સામે આવ્યું છે. દારૂનું સેવન કર્યું છે કે નહીં તેની તબીબી પુષ્ટિ કરવા માટે પોલીસ દ્વારા તમામ ૨૨ લોકોને મોડી રાત્રે જ સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ અર્થે લાવવામાં આવ્યા હતા. પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસે આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને પાર્ટીનું આયોજન કોણે કર્યું હતું, દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો તથા અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ખાનગી ફાર્મ હાઉસમાં દારૂ પાર્ટી યોજાતી હોવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે.