અમદાવાદ-ઈન્દોૈર હાઈવે પર બાલાસિનોરથી ગોધરા વચ્ચે મસમોટા ખાડા પડી ગયા છે. હાલમાં ચોમાસા અગાઉ આ રોડ પર ૪૦ કિ.મી.નુ અંતર કાપતા ૪૫ મિનીટ જેટલો સમય થતો હતો. હવે મસમોટા ખાડા પડી ગયા હોવાથી કલાક જેટલો સમય વેડફાઈ રહ્યો છે. આ રોડ પરથી પસાર થતી વેળાએ અમદાવાદથી ગોધરા આવવા અને જતી કાર માટે અંદાજિત .૪૨૫ જેટલો ટોલટેક્ષ ભરીને પસાર થતાં વાહનચાલકોની કમર અને વાહનોના સ્૫ેરપાર્ટ્સનો પણ કચ્ચરધાણ નીકળી જાય તેવી સ્થિતિ અનુભવાઈ રહી છે. બાલાસિનોર બાયપાસ પાસે, બૈડપ ચોકડી, કંથજીના મુવાડા પાસે, વડદલા ગામ પાસે સહિત મોટાભાગના હાઈવે ખાડામાં જાણે રસ્તો જ ખોવાઈ ગયો હોય તેવી સ્થિતિ છે. જેથી અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. બાલાસિનોરથી વડદલા વચ્ચે નવીન રોડ બનાવવાની કામગીરી હાલ ચાલુ હોવાથી એક બાજુનો રોડ ચાલુ છે. પરંતુ તે રોડ પર ઉબડખાબડ થઈ ગયેલ છે. વાહનચાલકો પુરો ટોલટેક્ષ ચુકવવા છતાં આવા મસમોટા ખાડા પડેલ ડિસ્કો રોડ પરથી પસાર થવા મજબુર બન્યા છે.