ફતેપુરાની ખાનગી શાળામાં સરકારી શૈક્ષણિક સામગ્રી મળતા સીલ કરાઈ

દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતેથી ખાનગી શાળા ટચ ધ લાઈટમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીના નૈતૃત્વ હેઠળની ટીમે તપાસ કરતા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ફાળવવામાં આવેલી શૈક્ષણિક સામગ્રી મળી આવતા તંત્ર ચોંકી ઉઠયુ હતુ. તપાસ બાદ શિક્ષણ વિભાગે શાળાને સીલ કરી સામગ્રી જપ્ત કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સરકારી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ફળવાતી પુસ્તકો, સ્ટેશનરી, રમત-ગમતના સાધનો, ડિજિટલ બોર્ડ સહિતની શૈક્ષણિક સામગ્રી ફતેપુરાની ખાનગી શાળા ટચ ધ લાઈટમાં ઉપયોગમાં લેવાતી હોવાના આક્ષેપો સામે આવ્યા હતા. આ અંગે ફરિયાદો અને આક્ષેપોની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની ટીમ દ્વારા ખાનગી શાળામાં નપાસ હાથ ધરાઈ હતી. જેમાં તપાસ દરમિયાન વર્ષ-૨૦૨૪/૨૫ માં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ફાળવાયેલી ૪ ડિજિટલ બોર્ડ, લેપટોપ તેમજ અન્ય સ્ટેશનરી સહિતની શૈક્ષણિક સામગ્રી મળી આવી હતી. ટીમે આ સામગ્રી કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી ખાનગી શાળાને સીલ કરી દેવાઈ હતી. આ સમગ્ર મામલામાં કેટલાક સરકારી શિક્ષકો અને શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા વ્યક્તિઓના નામ પણ ચર્ચામાં આવ્યા છે. આ વ્યક્તિઓમાંથી કેટલાકનો ટચ ધ લાઈટ શાળાના ટ્રસ્ટી હોવાનુ સામે આવ્યુ છે. ઉપરોકત તમામ આક્ષેપો અંગે અંતિમ હકીકત શિક્ષણ વિભાગની સત્તાવાર તપાસ અને દસ્તાવેજી પુરાવા બાદ જ સ્પષ્ટ થશે. આ સામગ્રી કઈ શાળાને ફાળવાઈ હતી અને તેમાંથી ખનગી શાળા સુધી કેવી રીતે પહોંચી તે અંગે શિક્ષણ વિભાગ દ્વારા તપાસનો દોર લંબાવાયો છે.