દાહોદના નગરાળા, નસીરપુર અને નીમનળીયા ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા : નલ સે જલ યોજના માત્ર કાગળ પર

દાહોદ તાલુકાના નગરાળા, નસીરપુર અને નીમનળીયા ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને ગ્રામજનોએ તંત્ર સમક્ષ રજુઆત કરી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, આ ગામોમાં પીવાના પાણીની પુરતી સુવિધા ઉપલબ્ધ નથી.

રજુઆતમાં જણાવ્યુ છે કે, ગામના અનેક વિસ્તારોમાં નળ સે જળ યોજના હેઠળ હજુ સુધી પાણી પુરવઠાની સંપુર્ણ વ્યવસ્થા થઈ શકી નથી. આ કારણે ગ્રામજનોને ખાસ કરીને મહિલાઓ અને વડીલોને પીવાનુ પાણી મેળવવા માટે દુર દુર સુધી જવુ પડે છે. જેનાથી તેમને ભારે મુશ્કેલી પડી રહી છે. ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયત સમક્ષ માંગ કરી છે કે, ત્રણેય ગામોમાં પાણી પુરવઠાની વર્તમાન સ્થિતિનો સર્વે કરવામાં આવે, ઉપરાંત નળ સે જળ યોજના હેઠળ બાકી રહેલા વિસ્તારોમાં તાત્કાલિક પાઈપલાઈન નાંખવામાં આવે તેમની માંગણીઓમાં દરેક પાત્ર પરિવારોને ધર સુધી નળ કનેકશન આપવુ, જ‚રી સ્થળોએ પાણીની ટાંકી અને પાણીના સ્ત્રોતની વ્યવસ્થા કરવી, તેમજ નિયમિત અને પુરતા દબાણ સાથે પીવાનુ પાણી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવી સામેલ છે. ગ્રામજનોએ યોજના હેઠળ કામોમાં ગુણવત્તા જાળવવા અને સમય મર્યાદામાં કામગીરી પુર્ણ કરવા પર ભાર મુકયો છે. તેમણે મંજુર થયેલી ગ્રાન્ય અને થયેલા ખર્ચની વિગતો જાહેર કરવાની પણ માંગ કરી છે.