
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અસાયડી ગામની સીમમાં સફેદ પથ્થરનું ગેરકાયદે ખનન થતું હોવાની જાણ થતાં મામલતદારે દરોડો પાડ્યો હતો. સ્થળેથી એક JCB મશીન અને સફેદ પથ્થર ભરેલી ત્રણ ટ્રકો મળી આવી હતી.
મામલતદારને જાણ થઈ હતી કે ગામની સીમમાં JCBની મદદથી સફેદ પથ્થરનું ખનન થઈ રહ્યું છે. તેઓ સ્થળે પહોંચ્યા અને તપાસ કરી. ત્યારબાદ ખાણ-ખનિજ વિભાગને જાણ કરવામાં આવી હતી.
વિભાગની ટીમ પણ સ્થળે પહોંચી હતી. ટીમે JCB મશીન અને ત્રણેય ટ્રકો સીઝ કરીને પિપલોદના ઘનશ્યામ સ્ટોકયાર્ડમાં મૂક્યાં હતાં. આ મામલે વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.