દાહોદમાં પોલીસ કસ્ટડીમાંથી કોન્સ્ટેબલ ફરાર, પોલીસને પકડવા પોલીસ જ દોડી

મોંઘી કારોની કથિત છેતરપિંડીના કેસમાં ઝડપાયેલો ધાનપુર પોલીસનો કોન્સ્ટેબલ દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી ફરાર.

દાહોદમાં પોલીસ વિભાગને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદની કાર રેન્ટલ એજન્સી પાસેથી મોંઘી કારો ભાડે લઈ કથિત રીતે વેચી નાખવાના કેસમાં ધરપકડ કરાયેલ ધાનપુર પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ સોલંકી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, આરોપી જીતેન્દ્રસિંહને રાજસ્થાનથી ઝડપી દાહોદ લાવવામાં આવ્યો હતો અને દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો. રાત્રિના સમયે તેણે છાતીમાં દુખાવો અને ગભરામણની ફરિયાદ કરતાં તેને લોકઅપ માંથી બહાર કાઢી બેચ પર બેસાડવામાં આવ્યો હતો. આ દરમિયાન વહેલી સવારે આશરે ૪:૩૦થી ૫ વાગ્યાની વચ્ચે પોલીસની નજર ચૂકવી તે ફરાર થઈ ગયો હતો.

ઘટના બાદ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસની વિવિધ ટીમો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. આરોપી વિ‚દ્ધ કસ્ટડીમાંથી ફરાર થવાનો વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટનામાં ફરજમાં બેદરકારી બદલ ઙજઘ ભરતભાઈ ખૂમાનભાઈ અને કોન્સ્ટેબલ દીપક વિઠ્ઠલભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.