દાહોદ જિલ્લામાં CBDC ઓનબોર્ડિંગની કામગીરીમાં ઉદાસીનતા દાખવતા આઉટસોર્સ અને ડેટા એન્ટ્રી ઓપરેટરો સામે તંત્રએ લાલ આંખ કરી છે, અને તાત્કાલિક અસરથી આઠ ઓપરેટરોની બદલીના હુકમો જારી કર્યા છે.
દાહોદ જિલ્લામાં CBDC (સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી) આધારિત ઓનબોર્ડિંગની કામગીરી ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ અત્રેની કચેરી તેમજ વિવિધ તાલુકાઓમાં ફરજ બજાવતા કેટલાક આઉટસોર્સ ઓપરેટરો આ કામગીરી પ્રત્યે ઉદાસીનતા દાખવતા હોવાનું અગાઉ ધ્યાને આવ્યું હતું. ભવિષ્યમાં CBDC પ્રોજેક્ટના સુચારુ અને સચોટ અમલીકરણને ધ્યાનમાં રાખીને તેમજ જાહેર હિતને પ્રાથમિકતા આપીને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આ આંતરિક બદલીઓનો આદેશ કરવામાં આવ્યો છે. નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (NFSA) અંતર્ગત અને ડેટા એન્ટ્રી ક્ષેત્રે સેવા આપતા આ ઓપરેટરોને તાત્કાલિક ધોરણે નવા સ્થળો ફાળવવામાં આવ્યા છે.
જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, દાહોદ ખાતે ફરજ બજાવતા હાર્દિક બારિયાની બદલી મામલતદાર કચેરી, દાહોદ ખાતે કરવામાં આવી છે, જ્યારે મામલતદાર કચેરી, દાહોદના ધર્મેશ ગાળીયાવાળાને જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત, જિલ્લા પુરવઠા કચેરીના NFSA ઓપરેટર બી.એસ. વસૈયાને મામલતદાર કચેરી, લીમડી ખાતે મોકલવામાં આવ્યા છે. તેમજ અન્ય તાલુકા કચેરીઓમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે જેમાં શશીકાંત કટારાને ફતેપુરાથી સુખસર, વિનોદભાઈ પ્રજાપતિને સિંગવડથી સંજેલી, વિનેશ બારિયાને સંજેલીથી સિંગવડ, ચંદ્રગુપ્ત રાઠોડને ધાનપુરથી લીમખેડા અને પ્રદોષ ભગોરાને લીમખેડાથી ધાનપુર મામલતદાર કચેરી ખાતે બદલી આપવામાં આવી છે. બદલી પામેલા તમામ ઓપરેટરોએ પોતાની વર્તમાન ફરજ પરથી તાત્કાલિક છૂટા થઈને કોઈપણ પ્રકારના વિલંબ વિના નવા નિયત સ્થળે હાજર થઈ જવાની સૂચના આપવામાં આવી છે. આ બદલીઓને કારણે જે તે કર્મચારીઓના આઉટસોર્સ સેવા ચાર્જ ચૂકવવાની અથવા બંધ કરવાની તમામ વહીવટી અને હિસાબી પ્રક્રિયા સંબંધિત કચેરીઓ દ્વારા જ નિયમોનુસાર પૂર્ણ કરવાની રહેશે. આ સમગ્ર વહીવટી પગલાંથી કર્મચારી વર્તુળમાં ભારે ચર્ચા જાગી છે અને કામગીરી પ્રત્યે ગાઇડલાઇનનું પાલન ન કરનાર સામે કડક સંદેશ ગયો છે