
સ્કૂટીને અડફેટે લેતા સ્થાનિકો મદદે દોડ્યા.
દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકા મથક એવા ફતેપુરા ગામના હોળી ચકલા વિસ્તાર માં ગઈકાલે બે આંખલાઓ વચ્ચેના દ્વન્દ્ર યુદ્ધના પગલે સર્જાયેલા આતંકથી અફરાતફરી મચી જવા પામી હતી. લોક અવરજવર તેમજ વાહનોની અવર જવરથી સતત વ્યસ્ત રહેતા રસ્તા પર બે આખલાઓ સામ સામે આવી જતા તેમની વચ્ચે અચાનકદ્વન્દ્ર યુદ્ધ સર્જાયું હતું, જે દરમિયાન લોકોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી અને રસ્તા પરનો વાહન વ્યવહાર થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો. આ દ્વંદ્વયુદ્ધ દરમિયાન એક આખલો અચાનક બેકાબુ બન્યો હતો અને રસ્તા નજીક આવેલા એક મકાનમાં સીધો જ ઘૂસી ગયો હતો. અચાનક ઘરમાં આંખનો ઘૂસી આવતા જ ઘરના સભ્યોમાં ભારે નાસભાગ તેમજ ચીસાચીસ અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘરમાં રહેતા લોકો પોતાનું જીવ બચાવવા માટે પ્રયાસ કરે તે પહેલા જ આખલો ઘરમાંથી બહાર નીકળી ગયો હતો અને ત્યારબાદ આખલાએ રસ્તા પરથી પસાર થઈ રહેલી એક સ્કૂટીને જોરદાર ટક્કર મારીને નીચે પાડી દીધી હતી. આખલાને આક્રમક રીતે પોતાની તરફ આવતો જોઈ ને સ્કુટી ચાલક મહિલા સ્કૂટી છોડીને જીવ બચાવવા ભાગી ગઈ હતી. આ ઘટના બનતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પાણીનો છંટકાવ કરી તેમજ લાકડીઓ મારી અથાગ પ્રયાસ બાદ બંને આખલાઓને છૂટા પાડ્યા હતા.
રખડતા ઢોરના ત્રાસ સામે સ્થાનિક રહીશો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દિન-પ્રતિદિન રખડતા ઢોરોના વધતા જતા ત્રાસનો નિર્દોષ લોકો ભોગ બની રહ્યા હોવાથી સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તંત્ર દ્વારા રખડતા ઢોરોની આ સમસ્યા અંગે તાત્કાલિક યોગ્ય અને કડક પગલાં લેવામાં આવે તેવી લોકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં તંત્ર પ્રત્યે ભારે રોસ જોવા મળી રહ્યો છે.