દાહોદ જિલ્લામાં અંધશ્રદ્ધામાં બે મહિનાના માસુમને ગરમ સોયના ડામ અપાયા

અંધશ્રદ્ધાના મુળ કેટલા ઉંડા છે તેનો વધુ એક જીવંત પુરાવો દાહોદમાં જોવા મળ્યો છે. ૨ મહિનાના બાળકને શરદી-ખાંસીને કારણે શ્ર્વાસ લેવામાં તકલીફ થતાં તેના વાલીઓ તેને હોસ્પિટલને બદલે ભુવા પાસે લઈ ગયાહતા. જયાં ડામ આપવાના અમાનવીય કૃત્યથી બાળકની હાલત નાજુક બની હતી. હવે ૧૬ દિવસ બાદ જાલતના ભુવા સામે ફરિયાદ નોંધાવવા પામી છે.

મધ્યપ્રદેશના ઝાબુઆના બાબન સેમતલિયાના અરવિંદ રાણાના ૨ મહિનાના પુત્ર યુવરાજને શરદી-ખાંસી અને શ્ર્વાની તકલીફ હતી. જેનો ઈલાજ કરાવવા માટે ગત તા.૨૩ એપ્રિલે બાળકને લઈને દાહોદ તાલુકાના જાલતમાં રહેતા ભુવા જયેશ સોલંકી પાસે પહોંચ્યા હતા. ભુવાએ ઈલાજ કરાવવાના નામે ક્રુરતાની હદ વટાવી દીધી હતી. તેણે દીવો સળગાવી પાતળી સોય ગરમ કરી બાળકના નાજુક શરીર પર ૪ જગ્યાએ ડામ આપ્યા હતા. જેની પીડાથી બાળકની હાલત લથડતા તેને તાત્કાલિક ઝાબુઆના દવાખાને ખસેડ્યો હતો. ત્યાં ફરજ પરના તબીબે બાળકના શરીર પર ઈજાઓના ડામ જોયા હતા. અંધશ્રદ્ધાના આ ખેલને જોઈને તબીબે પોલીસને જાણ કરી હતી. ઝાબુઆ પોલીસે પરિવારનુ નિવેદન લીધા બાદ ધટના દહોદ જિલ્લાની હોવાથી આ અંગે કતવારા પોલીસને જાણ કરી હતી. તેણે ૯ મેનારોજ આરોપી ભુવા જયેશ સોલંકી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.