છોટાઉદેપુર પાણી પુરવઠા વિભાગની કચેરી બહાર ગેટ પર પ્લેટફોર્મ અને બાંકડા પર ગંદકીનુ સામ્રાજય

છોટાઉદેપુર નગરપાલિકામાં સ્વચ્છતાંના અભાવથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. બાંકડા અને પ્લેટફોર્મની આસપાસ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે.

છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં લોકો ફરવા નીકળે ત્યારે બાંકડા પર બેસીને વિસામો લઈ શકે તે માટે લાખો ‚પિયાના ખર્ચે બાંકડા અને પ્લેટફોર્મ બનાવ્યા છે. પરંતુ તેની આસપાસ જ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. નગરપાલિકા પણ સફાઈ કરાવતી નથી. મુખ્યમંત્રીએ સફાઈની કામગીરી પર ધ્યાન આપવા કડક સુચનાઓ આપી હોવા છતાં છોટાઉદેેપુર પાલિકાના સત્તાધિશોને કોઈ અસર થતી નથી. છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગની કચેરીના ગેટ પાસે સોસાયટીના લોકો વોકિંગ માટે નીકળતા હોવાથી વિસામો લઈ શકે તે માટે પાલિકા દ્વારા એક પ્લેટફોર્મ બનાવ્યુ છે અને તેના પર ત્રણ જેટલા બાંકડા મુકવામાં આવ્યા છે. પરંતુ પાલિકા બાંકડાની આજુબાજુ સફાઈ કરાવતી નથી. જયારે જે પ્લેટફોર્મ બનાવ્યુ છે તેના પર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. પ્લેટફોર્મની આજુબાજુ ઝાડી-ઝાંખરા પણ ઉગી નીકળ્યા છે.