
પંચમહાલ જીલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન અપૂરતા વરસાદને કારણે મકાઈ અને ડાંગર જેવા મુખ્ય પાકોમાં અંદાજે ૧૫ થી ૨૦ ટકા સુધીનું મોટું નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા હતા. મોંઘી મજૂરી અને મહિનાઓની મહેનત છતાં યોગ્ય ઉત્પાદન ન મળતાં અને બજારમાં પાકના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતો આર્થિક સંકટમાં ઘેરાયા છે ત્યારે હવે અન્નદાતાઓ સરકાર પાસે ટેકાના ભાવમાં વધારો અને સહાયની માગ કરી રહ્યા હતા.

પંચમહાલ જીલ્લામાં અંદાજે ૫૬ ટકા જેટલા ખેડૂતો સંપૂર્ણપણે વરસાદ આધારિત ખેતી પર નિર્ભર છે, પરંતુ આ વર્ષે ચોમાસાની ઋતુમાં સમયસર અને પૂરતો વરસાદ ન વરસવાને કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. મકાઈ, ડાંગર સહિતના પાકમાં ખેડૂતોને નુકશાન થયું હોવાનું સામે આવ્યુ છે. ખેડૂત મહેન્દ્રસિંહ સોલંકીના જણાવ્યા મુજબ, આ સિઝનમાં અપૂરતા વરસાદના કારણે મકાઈ અને ડાંગર જેવા મુખ્ય પાકોમાં અંદાજે ૧૫ થી ૨૦ ટકા સુધીનું વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેતી પાછળ છેલ્લા અઢીથી ત્રણ મહિનાની ભારે મહેનત અને મોંઘી મજૂરી ચૂકવી હોવા છતાં, કુદરતી પ્રકોપના કારણે ઉત્પાદન પૂરતું મળ્યું નથી.ખેડૂતોનો આક્ષેપ એ છે કે, સરકારે જે ટેકાનો ભાવ નક્કી કર્યો છે અને વેપારીઓ દ્વારા જે બજાર ભાવ આપવામાં આવે છે, બંને લગભગ સરખા જ છે! આટલા ઓછા ભાવના કારણે ખેડૂતોને પાછળ થયેલો ખર્ચ અને મહેનતનું યોગ્ય વળતર પણ મળતું નથી.”કુદરતની આ કહેર સમાન સ્થિતિમાં અન્નદાતાઓની એક જ પ્રબળ માગ છે કે, સરકાર આ સમગ્ર પરિસ્થિતિની ગંભીરતાથી નોંધ લેવામાં આવે અને વેપારીઓના બજાર ભાવ અને સરકારી ટેકાના ભાવ વચ્ચેનો તફાવત સુધારીને, સરકાર ટેકાના ભાવમાં યોગ્ય વધારો કરવામાં આવે તે હાલની પરિસ્થિતિને જોતા જરી લાગી રહ્યું છે.

ખેડૂતોને આર્થિક મુશ્કેલીમાંથી બહાર લાવવા માટે હવે જોવાનું એ રહેશે કે, કુદરતી આપત્તિ અને મુશ્કેલ પરિસ્થિતિમાં ઘેરાયેલા આ ખેડૂતોની વહારે સરકાર ક્યારે આવે છે અને શું ટેકાના ભાવમાં વધારો કે કોઈ વિશેષ સહાય પેકેજ જાહેર થાય છે કે કેમ? હાલ તો કુદરત સામે ખેડૂત સંપૂર્ણપણે લાચાર બન્યો હોય તેમ કહીએ તો નવાઈ.