કાલોલની સેટકો કંપની સામે જમીન પચાવી પાડવાનો વિવાદ ઘેરાયો : દલિત યુવકના પ્રતીક ઉપવાસને અનુસૂચિત જાતિના અગ્રણીઓનું સમર્થન

કાલોલ-હાલોલ હાઇવે પર આવેલી સુપ્રસિદ્ધ સેટકો (Setco) કંપની સામે જમીન પાછી મેળવવા માટે પ્રતીક ઉપવાસ પર બેઠેલા વિજય વણકરના સમર્થનમાં આજે કાલોલ તાલુકાના અનુસૂચિત જાતિના અગ્રણીઓ અને દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉતરી આવ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલા અગ્રણીઓએ કંપની વહીવટીતંત્ર અને તેની નીતિઓ સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિકો અને અગ્રણીઓ દ્વારા “દલિતોને ન્યાય આપો અને “સેટકો, તેરી તાનાશાહી નહીં ચલેગી જેવા વિરોધ દર્શાવતા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનથી હાઇવે પર ક્ષણભર માટે વાતાવરણ ગરમાયું હતું. બીજી તરફ, અરજદાર વિજય વણકરે ગંભીર આક્ષેપ કર્યો છે કે સેટકો કંપની દ્વારા તેમને પ્રતીક ઉપવાસ કરતા રોકવા માટે સરિયામ રોડ પર જ સ્ટાફ બસો પાર્ક કરી દેવામાં આવી હતી, જેથી વિરોધ પ્રદર્શનને દબાવી શકાય.ઘટનાની જાણ થતાં જ કાલોલ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. શાંતિપૂર્ણ રીતે ઉપવાસ પર બેઠેલા વિજય વણકરને પોલીસ સ્ટેશને આવીને પોતાનું વિધિવત નિવેદન નોંધાવવા માટે જણાવ્યું હતું. પોલીસે સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખીને શાંતિ જાળવવા અપીલ કરી છે. એક તરફ મહાકાય અને વગદાર કંપની છે, તો બીજી તરફ પોતાની હકની જમીન માટે લડતો સામાન્ય દલિત સમાજનો માણસ છે. આ સ્થિતિમાં શું પીડિતને યોગ્ય ન્યાય મળશે કે કેમ? તે અંગે સમગ્ર વિસ્તારમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.