નારેશ્ર્વરથી નર્મદા પરિક્રમાના શ્રદ્ધાળુ કવાંટના ભેખડીયા ગામે પહોંચતા સ્વાગત કરાયું

નારેશ્ર્વર ધામથી ૩૫૦ જેટલા શ્રદ્ધાળુઓએ ૩૫૦૦ કિમીની નર્મદા પરિક્રમા પગપાળા શ‚ કરી છે. આ યાત્રા કરતા લોકો કવાંટ તાલુકાના ભૈખડીયા ગામે પહોંચ્યા હતા, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગામના આગેવાનો અને શ્રદ્ધાળુઓએ પરિક્રમાવાસીઓનું સ્વાગત કર્યું. પૂર્વ તાલુકા પ્રમુખ મિલનભાઈ રાઠવા અને ગામના વડીલ રેદુભાઈએ તેમના માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરી હતી. માન્યતા છે કે, નર્મદા પરિક્રમા કરવાથી જન્મોજન્મનાં પાપ દૂર થાય છે. મોટાભાગના શ્રદ્ધાળુઓ ૩૫૦૦ કિમીની આ યાત્રા પગપાળા કરે છે. વૃદ્ધ કે બીમાર લોકો વાહન દ્વારા પરિક્રમા પૂરી કરે છે. ગામલોકોની સેવા અને નર્મદે હરના નાદ સાથે પરિક્રમાવાસીઓ આગળની યાત્રા માટે રવાના થયા હતા.