લીમડીમાં ૮ મહિનાથી રસ્તાનો ખાડો યથાવત, સમારકામ ન થતાં સવાલો ઊઠ્યા

સરપંચ પદના ઉમેદવાર ઉત્કર્ષ શર્માના ઘર આગળ રસ્તાની સમસ્યા હોવાનો દાવો; રાજકીય ભેદભાવ કે તંત્રની બેદરકારી, તે અંગે ચર્ચા.

લીમડી ગ્રામ પંચાયત વિસ્તારમાં સરપંચ પદના ઉમેદવાર રહેલા ઉત્કર્ષ શર્માના જણાવ્યા મુજબ, તેમના ઘર આગળના રસ્તા પર છેલ્લા આઠ મહિનાથી મોટો ખાડો પડેલો છે. તેમનો આક્ષેપ છે કે, લાંબા સમયથી આ સમસ્યા હોવા છતાં આજદિન સુધી તેનું સમારકામ કરવામાં આવ્યું નથી. આ કારણે સ્થાનિક લોકોને પણ રસ્તા પરથી અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉત્કર્ષ શર્માના જણાવ્યા મુજબ, ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન તેમની સામે હાલના વિજેતા ઉમેદવાર સહિત અન્ય હરીફો દ્વારા વિવિધ આક્ષેપો કરવામાં આવ્યા હતા. તે સમયે ઉમેદવારોને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ પણ થઈ હતી. જોકે, ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ તેમના ઘર આગળના રસ્તાની સમસ્યા યથાવત રહેતાં હવે આ મુદ્દે સ્થાનિક સ્તરે સવાલો ઊઠી રહ્યા છે.

ઉત્કર્ષ શર્માએ સવાલ ઉઠાવ્યો છે કે, ચૂંટણીમાં હાર-જીતના આધારે વિકાસકાર્યોમાં કોઈ ભેદભાવ થવો જોઈએ ખરો? જો રસ્તાના સમારકામની જ‚રિયાત હોય, તો તેનું નિરાકરણ લાવવાની જવાબદારી સંબંધિત તંત્રની છે. આ મામલે રાજકીય મતભેદો કારણભૂત છે કે પછી તંત્રની બેદરકારી છે, તે અંગે સ્પષ્ટતા જરૂરી છે.

ચૂંટણીમાં જીત અને હાર લોકશાહીનો ભાગ છે, પરંતુ રસ્તા, પાણી અને અન્ય પાયાની સુવિધાઓ દરેક નાગરિકનો અધિકાર છે. કોઈ વ્યક્તિ ચૂંટણીમાં હારી જાય તો તેના ઘર આગળની રસ્તાની સમસ્યાનું નિરાકરણ અટકી રહેવું જોઈએ નહીં.

હવે સવાલ એ છે કે, છેલ્લા આઠ મહિનાથી પડેલા ખાડાનું સમારકામ ક્યારે થશે? ગ્રામ પંચાયત તંત્ર આ બાબતે ક્યારે કાર્યવાહી કરશે અને સ્થાનિક લોકોને રસ્તાની સમસ્યામાંથી ક્યારે રાહત મળશે, તે જોવું રહ્યું.

જનતાની અપેક્ષા સ્પષ્ટ છે, રાજકારણથી ઉપર ઊઠીને વિકાસનાં કામોને પ્રાથમિકતા આપવામાં આવે અને રસ્તાની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે.