બંને પક્ષોની સામસામે ફરિયાદ; લાકડી અને લોખંડની પાઇપ વડે હુમલો કર્યાના આક્ષેપ, ઈજાગ્રસ્તોને સારવાર અપાઈ.
દાહોદ જીલ્લાના ગોવિંદ ગુ લીમડી તાલુકાના ડુંગરી ગામે જમીનના ખેડાણ મુદ્દે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થયાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી છે. બંને પક્ષોની ફરિયાદ મુજબ લાકડીઓ, લોખંડની પાઇપ અને ગડદાપાટુથી માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા છે. ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે લીમડી સરકારી દવાખાને લઈ જઈ સારવાર અપાઈ હતી.
પ્રથમ પક્ષના ઇકેશભાઈ કુબેરભાઈ સંગાડાની ફરિયાદ મુજબ, તેઓ પોતાના ભાઈ રાજુભાઈ, ફોઈ કુબેરીબેન તથા પરિવારના અન્ય સભ્યો સાથે રે.સ.નં. ૩૨૬ની જમીનમાં ટ્રેક્ટરથી ખેડાણ કરવા ગયા હતા. તે દરમિયાન શાંતુભાઈ સેંગાભાઈ ડામોર અને ભરતભાઈ સેંગાભાઈ ડામોરે ગાળો આપી માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ પવનભાઈ ભરતભાઈ ડામોરે લોખંડની પાઇપથી તેમની ભાભી ભાનુબેનના માથામાં માર માર્યો હોવાની ફરિયાદમાં રજૂઆત કરવામાં આવી છે. વચ્ચે પડનાર પરિવારજનોને પણ માર મારવામાં આવ્યો હોવાનો અને ફરીથી જમીનમાં ખેડાણ કરવા આવશો તો જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાનો આક્ષેપ કરાયો છે.
બીજા પક્ષે ભરતભાઈ સિંગાભાઈ ડામોરે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ઘરે મકાઈ ભરવાનું કામ કરતા હતા. ત્યારે રાજુભાઈ કુબેરભાઈ સંગાડા તથા અંજેશભાઈ, અશ્ર્વિનભાઈ અને ઇકેશભાઈ સંગાડા ટ્રેક્ટર લઈને તેમની જમીનમાં ખેડાણ કરવા આવ્યા હતા. આ અંગે તેમણે પોતાના ભાઈઓને જાણ કરતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી. ફરિયાદ મુજબ, ભરતભાઈ સંગાડાએ લાકડીથી તેમના માથામાં માર માર્યો હતો, જ્યારે અન્ય લોકોએ પણ માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઘટનામાં શાંતુભાઈ અને રતનભાઈને પણ ઈજાઓ થઈ હોવાની ફરિયાદમાં નોંધાવાયું છે.
બંને પક્ષોની ફરિયાદમાં જમીનના ખેડાણના મુદ્દે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
સમગ્ર મામલે પોલીસ દ્વારા બંને પક્ષોની ફરિયાદના આધારે કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.