મહીસાગરના બચકરીયા ખાતે ભવ્ય ગ્રામ સંવાદ યોજાયો : ૭૬ ગામોના ૨,૨૦૦થી વધુ ગ્રામજનોની સહભાગિતા

બચકરીયા ઉત્તર, તા. ૨૮ ઓક્ટોબર, ૨૦૨૬: મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના બચકરીયા ઉત્તર ગામે ગ્રામ સશક્તિકરણ, ટકાઉ વિકાસ અને લોકભાગીદારીને પ્રોત્સાહન આપવા ગ્રામ સંવાદ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કડાણા, સંતરામપુર, ખાનપુર અને ગોધરા તાલુકાનાં ૭૬ ગામોમાંથી ૨,૨૦૦થી વધુ ગ્રામજનો, સ્થાનિક આગેવાનો, સરકારી અધિકારીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયા હતા. આ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી અને ધારાસભ્ય ડો. કુબેરભાઈ ડીંડોર તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. સી. કે. ટીંબડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં કુદરતી સંસાધનોનું સંરક્ષણ, જળ વ્યવસ્થાપન, સામુદાયિક વન અધિકાર (CFR), પ્રાકૃતિક ખેતી, દેશી બિયારણો, જૈવવિવિધતા, આરોગ્ય, પોષણ અને ટકાઉ આજીવિકા જેવા વિષયો પર આશરે ૨૨ માહિતીપ્રદ સ્ટોલ દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. ગ્રામજનોની સ્થાનિક જરૂરિયાતો અને વિકાસલક્ષી આયોજનને સરકારી તંત્ર સુધી પહોંચાડવાના હેતુથી વી.બી.જી. રામજી યોજના અંતર્ગત તૈયાર કરાયેલું આયોજન, જળ વ્યવસ્થાપન યોજના અને CFR સંબંધિત અહેવાલો યોગ્ય કાર્યવાહી માટે સરકારને સુપરત કરવામાં આવ્યા હતા.

ગ્રામ સંવાદ દરમિયાન વર્ષ ૨૦૧૩થી ૨૦૨૬ સુધીની સફર, મલ્ટી-એક્ટર પ્લેટફોર્મ (MAP)ની ભૂમિકા અને સામૂહિક નિર્ણય પ્રક્રિયા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મધ્યપ્રદેશ, ઓડિશા, નાગાલેન્ડ, રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોની સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ ભાગ લઈને આ પ્રક્રિયાને સમજવાનો પ્રયાસ કર્યો હતો. આ કાર્યક્રમ ગ્રામજનો, સરકારી તંત્ર અને સામાજીક સંસ્થાઓ વચ્ચે સંવાદ, સંકલન અને સહભાગિતા દ્વારા ટકાઉ તથા સર્વસમાવેશક ગ્રામ વિકાસને આગળ વધારવાનું મહત્વપૂર્ણ માધ્યમ બન્યો હતો.