બોડેલી-ઢોકલીયા પબ્લિક હોસ્પિટલના ટ્રસ્ટી મંડળના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત પાંચ હોદ્દેદારોએ મનસ્વી પણે વહીવટ કરી હોદ્દાનો દુરૂપયોગ કરીને નાણાંની ઉચાપત કરવા સાથે ટ્રસ્ટી બનાવવાની ખાતરી આપીને દસ્તાવેજો લઈને ફરિયાદી સાથે છેતરપિંડી અને વિશ્ર્વાસધાત કર્યો હોવાની પોલીસ ફરિયાદ થતાં પાંચ ટ્રસ્ટીઓ સામે ગુનો નોંધીને બોડેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બોડેલી-ઢોકલીયા પબ્લિક હોસ્પિટલમાં 1953થી ટ્રસ્ટની સ્થાપના કરાઈ છે. અને જિલ્લા સાથે પરપ્રાંતના દર્દીઓ ત્યાં સારવાર માટે વર્ષોથી આવી રહ્યા છે. આ સંસ્થામાં 1997માં નિતીન ઉર્ફે બાબુભાઈ ચોકસીને ટ્રસ્ટી બનાવવાની ખાતરી આપી અને પ્રમુખ કંચન પટેલ એ ફોટો અને જરૂરી દસ્તાવેજો માંગ્યા હતા. તે આપતા હવે તમારૂ નામ પી.ટી.આર.માં ચઢાવી દઈશ તેવી ખાતરી આપીને ટ્રસ્ટની અવાર નવાર મિટીંગોમાં બોલાવે અનેહાજર રહ્યુ ત્યારે જ સહી કરતોહતો. પણ સભાનુ આયોજન કરતા ન હતા. ત્રણ વર્ષે હોદ્દેદારોની ચુંટણી કરાઈ નથી. પ્રમુખ સહિત હોદ્દેદારો દ્વારા ઉચાપત કર્યા અંગેની મિટીંગમાં વાંધો ઉઠાવ્યો છતાં ફરિયાદીને નજર અંદાજ કરાયા હતા. 9/1/2025ની આરટીઆઈ મુજબ મળેલી વિગત પ્રમાણે 18 જેટલા ટ્રસ્ટીઓ પૈકી 13 ટ્રસ્ટીઓ મૃત્યુ પામ્યા છે. એક ટ્રસ્ટી વિદેશનુ નાગરિત્વ લઈ લીધુ છતાં આ બધાની ખોટી સહીઓ કરી, ખોટા હિસાબોને બહાલી આપી, હોસ્પિટલની આવક, ફંડ, મશીનરી અને દવાની ખરીદી, સ્ટાફ પગારમાં ચેડાં કરવા સાથે ટ્રસ્ટની જમીનનુ ગેરકાયદેસર રીતે વેચાણ અને ભાડાઓના ઠરાવમાં ખોટી સહીઓ કરી નાણાંની મોટી ઉચાપત કરી છે. મૃતકોની સહીઓ કરેલા ઠરાવોનો નાશ કરી પુરાવા છુપાવવાની આરોપીઓએ કોશિષ કરી ગુનો આચર્યો હોવાનુ જણાવી ફરિયાદ નિતીન કુમાર ઉર્ફે બાબુભાઈ ચોકસીએ હોસ્પિટલ ટ્રસ્ટના પ્રમુખ કંચનભાઈ મણીભાઈ પટેલ, ઉપપ્રમુખ રજનીભાઈ રસીકલાલ ગાંધી, મંત્રી ઈશ્ર્વરભાઈ મણીલાલ ઠકકર, સહ મંત્રી બાબુભાઈ ચીમનભાઈ પટેલ કંસારા, શાંતિભાઈ ત્રિકમભાઈ પટેલ વિરુદ્ધ કોર્ટ ફરિયાદ કરતા તેને આધારે બોડેલી પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરતા આરોપીઓમાં નાસભાગ મચી જવા પામી છે.