
ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ આઈસીસીની વનડે રેક્ધિંગમાં લાંબી છલાંગ લગાવી છે. કોહલી હજુ પહેલા નંબરે તો નથી પહોંચ્યો, પરંતુ તે રોહિત શર્મા સામે મોટો પડકાર બન્યો છે. સાઉથ આફ્રિકા સામે રમાયેલી છેલ્લી બે મેચમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી. તેનો ફાયદો તેને રેક્ધિંગમાં પણ મળતો હોય એવું દેખાઈ રહ્યું છે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વનડે સીરિઝ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે હવે આઈસીસીએ પણ વનડે રેક્ધિંગ જાહેર કરી દીધા છે. નવા રેક્ધિંગમાં પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા હજુ પણ પહેલા નંબરે છે. તેના રેટિંગ હાલ ૭૮૨ છે. ત્યાર બાદ બીજા નંબરે વિરાટ કોહલી આવી ગયો છે. વિરાટ કોહલીએ આ વખતે બે સ્થાનની છલાંગ લગાવી છે. તેના રેટિંગ વધીને ૭૭૩ થઈ ગયા છે. એટલે કે રોહિત અને કોહલીના રેટિંગ પોઇન્ટમાં વધુ અંતર નથી. જો રોહિત શર્માને પોતાનો પહેલા નંબરનો તાજ બચાવી રાખવો હોય તો તેને આગામી મેચમાં મોટી ઇનિંગ રમવી પડશે.
વિરાટ કોહલીને આ વખતે બે સ્થાનનો ફાયદો થયો છે, જ્યારે ન્યુઝીલેન્ડના ડેરિલ મિચેલ અને ઇબ્રાહિમ જાદરાનને એક એક સ્થાનનું નુક્સાન થયું છે. ડેરિલ મિચેલ હવે ૭૬૬ના રેટિંગની સાથે ત્રીજા નંબરે ચાલી રહ્યો છે, જ્યારે ઇબ્રાહિમ જાદરાનના રેટિંગ ૭૬૪ છે અને તે નંબર ચાર પર છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલ પાંચમાં અને પાકિસ્તાની ખેલાડી બાબર આઝમ છઠ્ઠા નંબર પર છે. આ વચ્ચે ખાસ વાત એ છે કે, શ્રેયસ અય્યર હવે નંબર દસ પર પહોંચી ગયો છે. તેને એક સ્થાનનું નુક્સાન થયું છે. શ્રીલંકાના ચરિત અસલંકાને એક સ્થાનનો ફાયદો થયો છે અને નંબર ૯ પર પહોંચી ગયો છે.
ભારતીય ટીમ હવે આ વર્ષે કોઈપણ વનડે મેચ નહીં રમે, એટલે ભારતીય પ્લેયર્સના રેટિંગમાં કોઈ અસર થશે નહીં. જાન્યુઆરીમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વનડે મેચની સીરિઝ રમાશે, આ વખતે ફરી રોહિત શર્મા અને વિરાટ કોહલી રમતા જોવા મળશે. ત્યાર બાદ રેક્ધિંગમાં ફેરફાર જરૂર જોવા મળશે. પરંતુ ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે