અફવાને કારણે અમદાવાદમાં માત્ર બે દિવસમાં ૩૭ કરોડનું પેટ્રોલ-ડીઝલ વેચાયું

છેલ્લા બે દિવસથી ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાશે તેવી વહેતી થયેલી અફવાઓએ ભારે અરાજકતા પેદા કરી છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં આ અફવાને કારણે લોકોમાં ફાળ પડી હતી, જેના પરિણામે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. લોકોએ અગમચેતીના ભાગરૂપે પોતાના વાહનોની ટાંકીઓ ફૂલ કરાવવા માટે પડાપડી કરી હતી.

અમદાવાદમાં આ અફવાને કારણે ઈંધણના વેચાણમાં અધધ કહી શકાય તેવો ઉછાળો જોવા મળ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, માત્ર ૨ દિવસના ટૂંકા ગાળામાં અમદાવાદમાં ૩૭ કરોડ રૂપિયાથી વધુના ઈંધણનું વેચાણ થયું છે. સામાન્ય દિવસોની સરખામણીએ પેટ્રોલ અને ડીઝલનું વેચાણ ત્રણ ગણું વધી ગયું હતું. પંપ સંચાલકોના જણાવ્યા અનુસાર, સવારથી મોડી રાત સુધી લોકોની ભીડ શમવાનું નામ નહોતી લેતી, જેના કારણે વ્યવસ્થા જાળવવી પણ મુશ્કેલ બની હતી.

જ્યારે અમદાવાદમાં લોકો પેટ્રોલ પુરાવવા લાઈનમાં હતા, ત્યારે વડોદરામાં એક નવો જ ટ્રેન્ડ જોવા મળ્યો છે. ઈંધણની વારંવાર ઉભી થતી અછત અને વધતા ભાવના ડરથી કંટાળીને લોકો હવે ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ વળી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં વડોદરાના વિવિધ શો-રૂમ પર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી.

વડોદરામાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે ઇલેક્ટ્રિક કાર અને બાઈકના બુકિંગમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. શો-રૂમ સંચાલકોનું કહેવું છે કે છેલ્લા ૪૮ કલાકમાં પૂછપરછ કરનારાઓની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો છે. લોકો હવે લાંબે ગાળે ઈંધણની પરાધીનતા ઘટાડવા માટે ઈફ ને શ્રેષ્ઠ વિકલ્પ માની રહ્યા છે. ખાસ કરીને ટુ-વ્હીલર  વિભાગમાં ઇલેક્ટ્રિક સ્કૂટર્સની માંગ સૌથી વધુ જોવા મળી રહી છે.

રાજ્ય સરકાર અને પુરવઠા વિભાગ દ્વારા વારંવાર સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈ પણ પ્રકારની અછત નથી. તેમ છતાં, સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓએ સામાન્ય જનતાને મુશ્કેલીમાં મુકી દીધી છે. અમદાવાદ અને વડોદરાના આ આંકડા સાબિત કરે છે કે એક નાનકડી અફવા કેવી રીતે આર્થિક અને સામાજિક અરાજકતા સર્જી શકે છે.