નગર પાલિકા કચેરીથી ફગવા નાકા સુધી જેસીબી ફરી વળ્યા

બાલાસિનોરમાં સતત ત્રીજા દિવસે મેગા ડિમોલિશન, કુલ૬૦૦ દબાણ તોડાયા.

પાકા અને કાચા મકાન, દુકાન, શેડ, દીવાલ સહિતના દબાણો હટાવવા આજે પણ કાર્યવાહી ચાલું જ રહેશે.

બાલાસિનોરમાં વહીવટી તંત્રના નેજા હેઠળ શ‚ કરવમાં આવેલી સંયુક્ત મેગા ડિમોલિશન ડ્રાઇવ આજે સતત ત્રીજા દિવસે પણ ચાલું જ રાખવામાં આવી હતી. ત્રીજા દિવસમાં કાચા-પાકા કુલ ૬૦૦થી વધારે દબાણો તોડી પડાયા હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. જોકે, આ દબાણો શ‚ થયા ત્યારે જ ધ્યાન રાખવામાં આવ્યું હોત તો આજે આટલી મોટી ઝુંબેશ કરવાની નોબત આવત નહીં !

બાલાસિનોરમાં તાલુકા વહીવટી તંત્ર, નગર પાલિકા, પોલીસ, માર્ગ અને મકાન વિભાગ તથા એમજીવીસીએલ દ્વારા ગઇકાલથી અમદાવાદી ઢાળથી ફગવા નાકા સુધી મેગા દબાણ હટાવ ઝુંબેશ શ‚ કરવામાં આવી છે. જેમાં આજે ત્રીજા દિવસે નગર પાલિકા કચેરીથી ફગવા નાકા સુધીના દબાણો તોડવામાં આવ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ત્રણ જેસીબી વડે હાથ ધરાયેલી આજની કાર્યવાહીના અંતે સાડા ત્રણસો જેટલા દબાણ દૂર કરાયા છે. તંત્રએ આ અંગે દાવો કરતા જણાવ્યું છે કે, પાકા અને કાચા મકાનો, દુકાનો, શેડ, દીવાલો, છાપરા, ઝુંપડા સહિતના તમામ દબાણ હટાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૩૫૦ જેટલા કાચા અને ૨૦૦થી વધારે પાકા દબાણ તોડી પાડવામાં આવ્યા છે. આજે કાર્યવાહી ચાલું જ રાખવામાં આવી હતી. ખુલ્લી કરાયેલી જગ્યામાં ફરી વખત દબાણો ન થાય, તેવી તાકીદ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બાલાસિનોરમાં નિશાળ ચોકથી રાજપુરી દરવાજા સહિતના માર્ગો પર પણ દબાણ વધી ગયા છે. ત્યારે ભવિષ્યમાં આટલી મોટી ઝુંબેશ હાથ ધરવી પડે ત્યાં સુધી રાહ જોવાના બદલે અત્યારથી જ દબાણો બાબતે કડક પગલાં લેવાય, તેવી ટકોર નગરજનોએ કરી છે.