
આગામી તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને દાહોદ જીલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે સઘન ચેકિંગ ઝુંબેશ શ કરવામાં આવી છે. કલેક્ટર સુરભી ગૌતમના માર્ગદર્શન હેઠળ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી તહેવારો દરમિયાન લોકોને શુદ્ધ અને સાત્વિક ખોરાક મળી રહે.
પ્રાંત અધિકારી મિલિન્દ દવે અને ફૂડ વિભાગની ટીમે દાહોદ શહેરની લગભગ ૧૦ જેટલી જાણીતી રેસ્ટોરન્ટો, હોટલો તેમજ મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન સ્થળ પર સ્વચ્છતાનો અભાવ, ગંદકી અને ખાદ્ય સામગ્રીની જાળવણીમાં ભારે બેદરકારી જોવા મળી હતી, જેના પગલે તંત્ર દ્વારા સંચાલકોને સ્થળ પર જ મૌખિક અને લેખિત નોટિસો ફટકારવામાં આવી હતી.
ચેકિંગ દરમિયાન મળી આવેલો વાસી, ગુણવત્તા વગરનો અને આરોગ્ય માટે હાનિકારક એવો અખાદ્ય ખોરાક તાત્કાલિક ધોરણે નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરનાર અને સ્વચ્છતા ન જાળવનાર વેપારીઓ સામે લાલ આંખ કરીને તંત્ર દ્વારા સ્થળ પર જ ા.૧૦,૦૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
દાહોદ નગરપાલિકાના ફૂડ અધિકારી પિંકલ નગરાલાવાલાએ જણાવ્યું હતું કે, નાગરિકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારના ચેડાં ચલાવી લેવામાં આવશે નહીં. તહેવારોના સમયમાં લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા અગ્રતા છે, તેથી આ પ્રકારની દરોડાની કાર્યવાહી આગામી દિવસોમાં પણ શહેરમાં સતત અને સઘન રીતે ચાલુ રહેશે.