
ઔદ્યોગિક તાલીમાર્થીઓ માટે રોજગારીની મોટી તકો ઊભી કરતાં, ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ઝાલોદ ખાતે તારીખ ૧૯ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ કેમ્પસ ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું. મિકેનિક ડીઝલ, મિકેનિક મોટર વહીકલ, ફિટર, ઇલેક્ટ્રિશિયન, કોપા અને ડ્રેસ મેકિંગ જેવા વિવિધ ટેકનિકલ કોર્સનું સફળતાપૂર્વક પ્રશિક્ષણ પૂર્ણ કર્યા બાદ પરિણામ જાહેર થતાંની સાથે જ આ પ્લેસમેન્ટ યોજાયું હતું.
આ કેમ્પસ ડ્રાઇવમાં દેશની અગ્રણી ઓટોમોબાઇલ કંપની ફોર્ડ મોટર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, સાણંદ’ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન ચાલુ વર્ષના તાલીમાર્થીઓની એપ્રેન્ટિસશિપ તેમજ સીધી નોકરી માટે આયોજનબદ્ધ રીતે વર્ક સોંપણી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષથી ITI ZALODના ઓટોમોબાઇલ ગ્રુપ અને સંસ્થાના સક્રિય સહયોગના પરિણામે ઓટો ક્ષેત્રના લગભગ તમામ તાલીમાર્થીઓ સફળતાપૂર્વક રોજગારી મેળવી રહ્યા છે, જે સમગ્ર ક્લસ્ટર વિસ્તાર માટે અત્યંત હર્ષ અને ગૌરવની બાબત છે. સંસ્થાના તંત્ર દ્વારા પસંદગી પામેલા તમામ ઉમેદવારોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે.