ગોધરા સીઆઈડી કચેરીના નામે બનાવટી પ્રમાણપત્ર બનાવી ફાયનાન્સ કંપનીમાંથી રૂ.૧૫ લાખની લોન મેળવવાના કોૈભાંડમાં મદદગારી કરવા બદલ અટકાયત કરાયેલા દાહોદના વતની અને જામનગરના પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજાધિન મોહનભાઈ નરવતભાઈ બારીયાનુ દાહોદની સબજેલમાં હાર્ટએટેક આવતા મોત નીપજયું છે.
દાહોદના વતની અને જામનગર પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મોહનભાઈ બારીયા પર આરોપ હતો કે, તેમણે કોૈભાંડના મુખ્ય આરોપી મહેશકુમાર મિનામાને ગોધરા સીઆઈડી કચેરીનુ બનાવટી પ્રમાણપત્ર બનાવવામાં મદદ કરી હતી. દાહોદ એલસીબી પોલીસે આ કેસમાં ગત તા.૧૫મી તારીખે મોહન બારીયા તેમજ બોરીયાલાના મનોજકુમાર પરમારની ધરપકડ કરી હતી. ત્યારબાદથી કોન્સ્ટેબલ મોહનભાઈ બારીયા દાહોદની સબજેલમાં બંધ હતા. રવિવારની સવારે આશરે ૭.૪૫ વાગ્યાના અરસામાં જેલમાં બંધ કોન્સ્ટેબલ મોહનભાઈ બારીયાની તબિયત અચાનક લથડી હતી. અને તેમને તિવ્ર હાર્ટએટેક આવ્યો હતો. જેલ તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી તેઓને સારવાર અર્થે દવાખાને ખસેડ્યા હતા. જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ધટનાને પગલે મોહનભાઈનુ પેનલ પી.એમ.કરાવવામાં આવ્યુ હતે. અને દાહોદ તાલુકા પોલીસ મથકે અકસ્માત મોત અન્વયે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.