કુવામાં ખાબકેલો દિપડો કે ઉંડા ખાડામાં ફસાયેલી નીલગાય જેવા વન્યજીવોના બચાવ માટે દરેક ક્ષણ કિંમતી હોય છે. આવી કટોકટીમાં ખાસ સાધનોની રાહ જોવાને બદલે સ્થાનિક સંસાધનોનો કુશળ ઉપયોગ કરવાના હેતુથી દે.બારીઆ વન વિભાગે નવી પહેલ કરી છે. ‘સંસ્કાર એડવેન્ચર, દાહોદ’ ના સહયોગથી સાગટાળા રેન્જ ખાતે યોજાયેલી પ્રાથમિક તાલીમ શિબિરમાં ૬૦ વન કર્મીઓએ ભાગ લીધો હતો. આ તાલીમમાં વાંસ, દોરડાં, અને વિવિધ પ્રકારની ગાંઠો જેવી સામાન્ય સામગ્રીથી બચાવ માળખુ તેયાર કરવાની વ્યવહારૂ પદ્ધતિઓ શીખવવામાં આવી હતી. વન કર્મીઓને વાંસની મદદથી નિરીક્ષણ ટાવર કે માંચડો બનાવવો, કુવામાંથી વન્ય જીવને બહાર કાઢવા પાંજરાનુ સંતુલન જાળવતી વાંસની મજબુત ફ્રેમ તૈયાર કરવી તેમજ વજનદાર સાધનો સુરક્ષિત રીતે ખેંચવા માટે ચોકકસ ગાંઠો બાંધવાની કળા પ્રયોગિક રીતે સમજાવાઈ હતી. આ ટેક્નિકનો મુખ્ય ઉદ્દેશ્ય વન્યજીવ અને વનકર્મી બંનેની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવાનો છે. ૫૫.૬૫ ચો.કિ.મી.માં ફેલાયેલા રતનમહાલ અભ્યારણ્યમાં દિપડા, રીંછ અને નીલગાય જેવા વન્યજીવો વસવાટ કરે છે. અહિં રેસ્કયુ કામગીરી વધુ કાર્યક્ષમ બનાવવા ડીસીએફ મિતેશ પટેલના નૈતૃત્વ, એસીએફ પ્રિયાંક પટેલના માર્ગદર્શન અને આરએફઓ હિતેશ પટેલના સંકલન હેઠળ આ શિબિર યોજાઈ હતી. જેમાં વનકર્મીઓને રાઉન્ડ ટ્રેનિંગ અપાઈ હતી.