
પાકિસ્તાનમાં એક ટોળાએ નિંદાના આરોપ બાદ એક ખ્રિસ્તી વ્યક્તિના ઘર અને ફાર્મસીને આગ લગાવી દીધી. આ ઘટના બાદ, વિસ્તારમાં રહેતા ૩૫ થી વધુ ખ્રિસ્તી પરિવારોને તેમની સલામતી માટે ભાગી જવાની ફરજ પડી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ગુરુવારે લાહોરથી લગભગ ૫૦ કિલોમીટર દૂર શેખુપુરા જિલ્લાના ઘરિયાલ કલાન ગામમાં બની હતી. આરોપીની ઓળખ ૪૦ વર્ષીય કામરાન ગુલ મસીહ તરીકે થઈ છે. તેના પર સોશિયલ મીડિયા પર નિંદાત્મક સામગ્રી શેર કરવાનો આરોપ છે.
પોલીસ અધિકારી ઝુબૈર અબ્બાસે જણાવ્યું હતું કે કામરાન ગુલ મસીહની ધરપકડ કરવામાં આવી છે અને તેને ટોળા દ્વારા માર્યા જવાની શક્યતાને કારણે તેને સલામત સ્થળે મૂકવામાં આવ્યો છે. જાકે, સ્થાનિક ,મસ્જિદમાંથી તેના ઘરની આસપાસ ભેગા થવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી, ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા. ટોળાએ પહેલા મસીહના ઘર અને પછી તેની ફાર્મસીને આગ લગાવી દીધી. પોલીસના જણાવ્યા અનુસાર, ટોળાના આગમનના સમાચાર ફેલાતાં જ, મસીહનો પરિવાર અને વિસ્તારમાં રહેતા ખ્રિસ્તી સમુદાયના સભ્યો પોતાની સલામતી માટે ભાગવા લાગ્યા.
પોલીસ અધિકારી ઝુબૈર અબ્બાસના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદ ૩૫ થી વધુ ખ્રિસ્તી પરિવારોને તેમના ઘર છોડવાની ફરજ પડી હતી. ઘટનાની માહિતી મળતાં, વરિષ્ઠ અધિકારીઓની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. આ કિસ્સામાં, પોલીસે કામરાન ગુલ મસીહ વિરુદ્ધ પાકિસ્તાન દંડ સંહિતાની કલમ ૨૯૫-સી હેઠળ કેસ નોંધ્યો છે. આ કલમનો ઉપયોગ પયગંબર મુહમ્મદ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ સાથે સંકળાયેલા કેસ માટે થાય છે.
એફઆઈઆર અનુસાર, પોલીસ ફરિયાદી રઈસ અહેમદે જણાવ્યું હતું કે તેઓ અન્ય પોલીસ અધિકારીઓ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને માહિતી મળી કે કામરાન ગુલ મસીહે ફેસબુક પર એક વીડિયો શેર કર્યો છે. એવો આરોપ છે કે આ વીડિયો એક દિવસ પહેલા જ જાન શાકી નામના યુઝરે અપલોડ કર્યો હતો. એફઆઇઆર મુજબ, પોલીસ અધિકારીએ પોતાના મોબાઇલ ફોન પર વીડિયો ડાઉનલોડ કર્યો હતો. ત્યારબાદ સાક્ષીઓની હાજરીમાં તેને યુએસબી ડ્રાઇવમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો, સીલ કરવામાં આવ્યો અને જપ્ત કરવામાં આવ્યો. પોલીસે વીડિયોના સ્ક્રીનશોટ પણ કબજે કર્યા.
મસીહ સામે દાખલ કરાયેલા કેસ ઉપરાંત, પોલીસે ઘર અને ફાર્મસીમાં તોડફોડ અને આગ લગાવવાના આરોપીઓ સામે અલગ હ્લૈંઇ પણ દાખલ કરી છે. આ કેસમાં પાંચ લોકોનું નામ આપવામાં આવ્યું છે, જ્યારે અન્ય ઘણા અજાણ્યા વ્યક્તઓ પર પણ આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસ કાર્યવાહી છતાં, આ ઘટનાએ વિસ્તારના ખ્રિસ્તી સમુદાયમાં ભય પેદા કર્યો હતો.
સંભવિત હુમલાઓના ડરથી ઘણા પરિવારો તેમના ઘર છોડીને ભાગી ગયા હતા.પાકિસ્તાનમાં ખ્રિસ્તીઓ અને હિન્દુઓ સહિત ધાર્મિક લઘુમતી સમુદાયોને ભેદભાવ, ધમકીઓ અને હુમલાઓનો સામનો કરવો પડ્યો છે. દેશમાં નિંદાનો મુદ્દો અત્યંત સંવેદનશીલ છે. ફક્ત નિંદાની શંકામાં અસંખ્ય વખત લોકોની હત્યા કરવામાં આવી છે. આવા આરોપો બાદ ટોળા દ્વારા હિંસાના બનાવો વારંવાર સામે આવ્યા છે. ઘણા કિસ્સાઓમાં, કોર્ટ તપાસ અથવા ચુકાદો આવે તે પહેલાં જ લઘુમતી સમુદાયોના સભ્યોને નિશાન બનાવવામાં આવ્યા છે.