રાજકોટમાં નવરાત્રિના પ્રથમ નોરતે ‘લવ જેહાદ’ના પોસ્ટરથી વિવાદ ઉભો થયો

નવરાત્રિના પ્રથમ નોરતે જ રાજકોટમાં ગરબા આયોજનોની બહાર લગાવવામાં આવેલા ‘લવ જેહાદથી સાવધાન’ લખાણવાળા પોસ્ટરને લઈને ચર્ચા શરૂ થઈ છે. શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડની બહાર અને ગરબા આયોજનોની અંદર પણ આવા પોસ્ટર લગાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોસ્ટરમાં દર્શાવવામાં આવેલા ચિત્રોને લઈને પણ ચર્ચા થઈ રહી છે. આ મામલે હિન્દુ સંગઠનોના આગેવાનો પણ સામે આવ્યા છે.

આજથી નવરાત્રિનો પ્રારંભ થયો છે. ખેલૈયાઓ ગરબા રમવા માટે વિવિધ આયોજનોમાં પહોંચે તે પહેલાં જ રાજકોટમાં પોસ્ટરનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. શહેરમાં અલગ-અલગ ગરબા આયોજનોની આસપાસ ‘લવ જેહાદથી સાવધાન’ લખાણવાળાં પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. આ પોસ્ટરમાં એક તરફ હિન્દુ મહિલાનું અને બીજી તરફ અન્ય ધર્મની મહિલાનું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. તેની સાથે એક પુરુષનો ચહેરો પણ દર્શાવાયો છે. રેસકોર્સ ગ્રાઉન્ડની બહાર ઉપરાંત ગ્રાઉન્ડની અંદર આવેલા ગરબા આયોજનોમાં પણ આવાં પોસ્ટર લગાવવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

પોસ્ટર વિવાદ અંગે હિન્દુ જાગરણ મંચના એક આગેવાને જણાવ્યું હતું કે શહેરમાં અલગ-અલગ હિન્દુ સંગઠનો કાર્યરત છે. આ પૈકી કોઈ એક સંગઠન દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યાં હોઈ શકે છે. જાકે, પોસ્ટરનો ઉદ્દેશ્ય ‘લવ જેહાદ’નો વિરોધ કરવાનો હોવાનું તેમણે જણાવ્યું હતું. આગેવાનના જણાવ્યા અનુસાર, અલગ-અલગ સંગઠનોના કાર્યકરો રાત્રે શહેરનાં વિવિધ ગરબા આયોજનોમાં જશે અને ત્યાં ચેકિંગ પણ કરશે. આ મુદ્દે ગરબા આયોજકો સાથે વાતચીત કરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

નવરાત્રિ દરમિયાન ગરબા આયોજનોમાં પ્રવેશ અને અન્ય ધર્મના લોકોની હાજરીને લઈને અગાઉ પણ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ત્યારે પ્રથમ નોરતે જ ‘લવ જેહાદ’ના પોસ્ટર સામે આવતાં આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.