
અમદાવાદમાં નકલી સિગારેટના વેચાણ સામે કાર્યવાહી કરી છે. મણિનગર અને કાલુપુરની બે દુકાનોમાં દરોડા પાડીને પોલીસે કુલ ૬,૯૦૦ સિગારેટના પેકેટ જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા માલની કિંમત અંદાજે રૂ. ૮.૬૨ લાખ હોવાનું જણાવાયું છે. આ કેસમાં ૬૬ વર્ષીય દુકાનદારની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કથિત સપ્લાયરની શોધખોળ ચાલુ છે.
મળતી માહિતી અનુસાર, મણિનગરના સિંધી માર્કેટમાં આવેલી મહેશ જનરલ સ્ટોર્સમાં નકલી આઇટીસી પ્રોડક્ટ્સ વેચાતી હોવાની બાતમીના આધારે એસઓજીએ ૯ ઓક્ટોબરે તપાસ હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન દુકાનમાંથી ૩,૫૫૦ સિગારેટના પેકેટ મળી આવ્યા હતા. આ જથ્થાની કિંમત આશરે રૂ. ૪.૪૩ લાખ આંકવામાં આવી છે. દુકાનદારની ઓળખ શોભરાજ જેથાનંદ કેવલાણી તરીકે થઈ છે.
પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસની ટીમે કાલુપુર ના પાન માર્કેટમાં આવેલી દેવ ટ્રેડર્સ નામની દુકાનમાં પણ તપાસ કરી હતી. અહીંથી વધુ ૩,૩૫૦ પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત આશરે રૂ. ૪.૧૮ લાખ હોવાનું જણાવાયું છે.
આ રીતે બંને સ્થળેથી કુલ ૬,૯૦૦ પેકેટ જપ્ત કરાયા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, પેકેટ પર છપાયેલા કંપનીના સોફ્ટવેરમાં ચકાસી શકાયા નહોતા. કંપનીના પ્રતિનિધિ દ્વારા આ પ્રોડક્ટ્સની અધિકૃતતા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, દુકાનદારે નિકુંજભાઈ નામના વ્યક્તિ પાસેથી વોટ્સએપ દ્વારા ઓર્ડર આપીને સિગારેટનો જથ્થો મેળવ્યો હોવાની કબૂલાત કરી હોવાનું કહેવાય છે. આ મામલે , ૧૯૫૭ હેઠળ ગુનો નોંધીને સપ્લાયરની ઓળખ અને સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.