જે એન્ડ આર કોલેજ ઓફ એજ્યુકેશન, દાહોદ ખાતે વિશ્ર્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

માનસિક સ્વાસ્થ્ય અંગેની ગેરમાન્યતાઓ દૂર કરી જરૂરિયાતમંદ વ્યક્તિઓને યોગ્ય સારવાર સુધી પહોંચાડવા અનુરોધ.

જે એન્ડ આર કોલેજ ઓફ એજ્યુકેશન, દાહોદના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ દ્વારા વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોલેજનાં આચાર્ય ડો. નર્મદાબેન પટેલની પ્રેરણા તથા NSS વિભાગના પ્રોગ્રામ ઓફિસર શ્રી મૌલિક શ્રોત્રિયના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં નેશનલ ટાસ્ક ફોર્સના કોલેજ નોડલ ઓફિસર ડો. બી. આર. પરમારના સંયોજન અને ડિરેક્ટર શ્રી ચંદ્રેશભાઈ ભૂતાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ભૈયા નવધા હોસ્પિટલ, દાહોદના એમ.ડી. મનોચિકિત્સક ડો. નિલેશ ડી. સૂર્યવંશી વિશેષજ્ઞ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનો મુખ્ય હેતુ તાલીમાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાનો, તણાવનો સામનો કરવાની ક્ષમતા વિકસાવવાનો તેમજ ભવિષ્યમાં શિક્ષક તરીકે બાળકોના માનસિક ઘડતર અને તેમની સમસ્યાઓને સમજવા માટે સજ્જ કરવાનો હતો.

સાથે જ તાલીમાર્થીઓ પોતાના જીવનમાં વિવિધ પરિસ્થિતિઓ સાથે યોગ્ય રીતે અનુકૂલન સાધી શકે તે અંગે માર્ગદર્શન પૂ‚ં પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમના તજજ્ઞ ડો. નિલેશભાઈ સૂર્યવંશીએ પોતાના ૨૫ વર્ષના વ્યાવસાયિક અનુભવના આધારે માનસિક સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ કિસ્સાઓની ચર્ચા કરી હતી.

તેમણે માનસિક સમસ્યાઓ પાછળનાં સંભવિત કારણો, તણાવની પરિસ્થિતિમાં અપનાવવા જેવા ઉપાયો અને જીવનની બદલાતી પરિસ્થિતિઓ સાથે અનુકૂલન સાધવાના મહત્ત્વ અંગે વિસ્તૃત સમજ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સ્વસ્થ માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે વિવિધ સકારાત્મક પ્રવૃત્તિઓ, થેરાપી અને નિષ્ણાતોના માર્ગદર્શનનો લાભ લેવો જ‚રી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમાજમાં મનોચિકિત્સકની સલાહ લેવી એ માનસિક બીમારી પ્રત્યેની ગેરસમજ સાથે જોડવામાં આવે છે. આવી માનસિકતામાંથી બહાર આવી માનસિક સ્વાસ્થ્યને પણ શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ મહત્ત્વ આપવું જોઈએ.

હૃદયરોગ કે અન્ય શારીરિક તકલીફોમાં જેમ તાત્કાલિક સારવાર માટે પગલાં લેવામાં આવે છે, તેમ માનસિક સમસ્યાઓથી પીડાતા વ્યક્તિઓને પણ સમયસર ઓળખીને યોગ્ય નિષ્ણાત અને સારવાર સુધી પહોંચાડવા જોઈએ.

માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓથી પીડાતા લોકો પ્રત્યે સંવેદનશીલતા દાખવવા અને તેમને સહકાર આપવા પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું હતું કે યોગ્ય સમયે મળતું માર્ગદર્શન, સારવાર અને પરિવાર તથા સમાજનો સહયોગ વ્યક્તિને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવવામાં મદદ‚પ બની શકે છે.

જરૂરિયાતના સમયે ટેલિ-માનસ હેલ્પલાઇનનો સંપર્ક કરીને પણ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત માર્ગદર્શન મેળવી શકાય છે.

આ જાગૃતિ કાર્યક્રમ દ્વારા તાલીમાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવવા, માનસિક સમસ્યાઓ અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવા અને જ‚રિયાતમંદ વ્યક્તિઓને યોગ્ય સારવાર મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.