નસવાડી તાલુકાના અંતરિયાળ તલાવ ગામની તેતરકુંડી વર્ગ પ્રાથમિક શાળાને જોડતો કાચો રસ્તો ચોમાસામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત ૧૫૦ની વસતિ માટે મોટી મુશ્કેલી બન્યો છે. વરસાદ પડે એટલે રસ્તો કાદવ-કીચડથી ભરાઈ જાય છે. બાઈક સહિતનો વાહન વ્યવહાર બંધ થઈ જાય છે.
શાળામાં ફરજ બજાવતા એક શિક્ષિકા રોજે રોજ લગભગ ૬ કિલોમીટર પગપાળા ચાલીને શાળાએ પહોંચે છે. રસ્તો ગાઢ જંગલમાંથી પસાર થાય છે. એકલા જવું જોખમી બને છે. વરસાદમાં લપસી પડવાનો ભય રહે છે. જંગલી જાનવરોનો ડર રહે છે. તેમ છતાં બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે શિક્ષિકા રજા લીધા વગર નિયમિત હાજરી આપે છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ આ રસ્તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પાકો બનાવવા મંજૂર થયો છે. તેમ છતાં કામ હજુ શ થયું નથી. ગ્રામજનો અને વાલીઓએ ટેન્ડર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી છે.
તેમજ તાત્કાલિક પાકો રસ્તો બનાવવા રજૂઆત કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે પાકો રસ્તો બનશે તો બાળકોને શાળાએ આવવા-જવામાં સરળતા રહેશે. તેમજ શિક્ષકો પણ સમયસર પહોંચી શકશે.
૩ વર્ષથી દરરોજ ૬ કિલોમીટર પગપાળા અવરજવર કરૂ છું તલાવની તેતરકુંડી વર્ગ પ્રાથમિક શાળાને જોડતો રસ્તો કાચો હોઇ ગામના આદિવાસી સૌ કોઈ દુ:ખી છે. હું છેલ્લા ત્રણ વર્ષથી શાળા જવા ધારસિમેલથી ૩ કિમી જવાનું અને ૩ કિમી આવવાનું મળી કુલ ૬ કિમીજંગલના રસ્તે પગપાળા કાપું છું. મહિલા હોવા છતાંય ફરજના ભાગરૂપે કરવું પડે છે. જીલ્લાના અધિકારીઓ જોઈ ગયા છે, હવે રસ્તો ઝડપી બને તો સારૂં.:- દીપ્તિબેન સરવૈયા,શિક્ષિકા