ગોધરા તાલુકામાં મનરેગાના કરોડોના બિલ અટવાતા મનરેગા પોર્ટલ ફરી ખોલવા માંગ

ગોધરા તાલુકામાં મનરેગાના કરોડોના બિલ અટવાતા મનરેગા પોર્ટલ ફરી ખોલવા માંગ
ગોધરા તાલુકામાં મનરેગાના કરોડોના બિલ અટવાતા મનરેગા પોર્ટલ ફરી ખોલવા માંગ

૧૦૩ સરપંચો અને ૩૩ તાલુકા સભ્યોની સાંસદ સમક્ષ રજૂઆત.

ગોધરા તાલુકામાં મનરેગા યોજના હેઠળ હાથ ધરાયેલા વિવિધ વિકાસકાર્યોના કરોડો રૂપિયાના બિલ અને મટીરીયલ ગ્રાન્ટની ફાળવણી અટવાઈ જતા ગ્રામ પંચાયતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. સમગ્ર મામલે ગોધરા તાલુકાના ૧૦૩ ગ્રામ પંચાયતોના સરપંચો અને ૩૩ તાલુકા પંચાયત સભ્યોએ એકત્ર થઈ લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ સમક્ષ રજૂઆત કરી હતી.

માર્ચ ૨૦૨૪થી પોર્ટલ બંધ થતાં બિલની એન્ટ્રી અટકી સરપંચોના જણાવ્યા મુજબ, માર્ચ ૨૦૨૪થી મનરેગા હેઠળના બિલની એન્ટ્રી માટેનું પોર્ટલ બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે ગોધરા તાલુકાની ગ્રામ પંચાયતો દ્વારા હાથ ધરવામાં આવેલા કરોડો ‚પિયાના કામોની બિલ એન્ટ્રી થઈ શકી નથી. અગાઉ આશરે દોઢ વર્ષ પહેલાં કેટલીક બિલ એન્ટ્રી કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ પોર્ટલ બંધ થતાં નવા કામોના બિલની એન્ટ્રી અટકી ગઈ છે.

સપ્ટેમ્બર પહેલાં પોર્ટલ નહીં ખૂલે તો મુશ્કેલી વધશે રજૂઆતમાં જણાવાયું હતું કે, જો સપ્ટેમ્બર માસ પહેલાં મનરેગા પોર્ટલ ફરીથી ખોલવામાં નહીં આવે તો બાકી રહેલા કરોડો ‚પિયાના કામોના બિલની એન્ટ્રી કરવી મુશ્કેલ બની શકે છે. આ સ્થિતિમાં ગ્રામ પંચાયતો પર આર્થિક ભાર વધવાની સાથે વિકાસકાર્યોને પણ અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

બાકી બિલોની એન્ટ્રી અને મટીરીયલ ગ્રાન્ટની માંગ સરપંચો અને તાલુકા પંચાયત સભ્યોએ મનરેગા પોર્ટલ તાત્કાલિક ફરીથી ખોલવાની માંગ કરી છે. સાથે જ તમામ ગ્રામ પંચાયતોના બાકી બિલની એન્ટ્રી કરવાની મંજૂરી આપવા તેમજ અગાઉ થયેલી એન્ટ્રીઓ સામે ગોધરા તાલુકાની તમામ ગ્રામ પંચાયતોને સંપૂર્ણ મટીરીયલ ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

ગાંધીનગર અને દિલ્હી સુધી પ્રશ્ન પહોંચાડવા સાંસદને અપીલ સ્થાનિક પ્રતિનિધિઓએ આ સમગ્ર પ્રશ્નને ગાંધીનગર તેમજ દિલ્હી સ્થિત સંબંધિત મંત્રાલયો સુધી પહોંચાડી તેનો કાયમી ઉકેલ લાવવા સાંસદ રાજપાલસિંહ જાદવને અપીલ કરી હતી. મનરેગા યોજના હેઠળ થયેલા કામોના નાણાં સમયસર ન મળતા પંચાયતોની કામગીરી પર પડી રહેલી અસર અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય વિસ્તારો માંથી પણ આવી રજૂઆતો મળ્યાનો સાંસદનો દાવો રજૂઆત સાભળ્યા બાદ સાંસદ રાજપાલસિંહ જાદવે જણાવ્યું હતું કે અન્ય જીલ્લાઓ અને તાલુકાઓમાંથી પણ મનરેગા પોર્ટલ અને બાકી બિલને લઈને આવી રજૂઆતો મળી રહી છે. તેમણે આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ યોગ્ય રજૂઆત કરી પ્રશ્નનું ઝડપી અને સકારાત્મક નિરાકરણ લાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરવાની ખાતરી આપી હતી.