
લુણાવાડા ખાતે વિવિધ પ્રજાલક્ષી અને પોલીસ કલ્યાણના નવનિર્મિત પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું.
મહિલા પોલીસ સ્ટેશનમાં ફીડિંગ મ અને ઘોડિયાઘર સહિતની સુવિધાઓ, નવીન ‘વાંસીયા ચોકી’, ઐતિહાસિક રાઈફલ હાઉસમાં ટ્રાફિક શાખા અને ‘દૂધ વેચાણ કેન્દ્ર’ ખુલ્લા મુકાયા.

પોલીસ પ્રજાલક્ષી સેવાઓ વધુ સક્ષમ અને અસરકારક રીતે પૂરી પાડી શકશે: ડી.આઈ.જી વિધિ ચૌધરી.
પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી દ્વારા મહીસાગર જીલ્લાના સંતરામપુર ડિવિઝનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન લુણાવાડા ખાતે જીલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના સીધા માર્ગદર્શન હેઠળ તેમની ટીમ તેમજ જીલ્લાના દાતાઓ અને પ્રજાજનોના સહયોગથી તૈયાર કરાયેલા વિવિધ નવનિર્મિત પ્રકલ્પો અને રિનોવેટ કરાયેલી કચેરીઓનું ડી.આઈ.જી.ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ સમારોહ અંતર્ગત લુણાવાડા ખાતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા નવીન ‘વાંસીયા ચોકી’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ મહિલાઓ અને બાળકોની સંવેદનશીલતા તથા સુવિધાને અગ્રતા આપીને રિનોવેટ કરાયેલા જીલ્લા મહિલા પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરાયું હતું. આ મહિલા પોલીસ સ્ટેશનમાં બાળકો માટે ‘ફીડિંગ મ’ તેમજ ઘોડિયાઘર જેવી આધુનિક સવલતો ઉપલબ્ધ કરાવાઈ છે. આ ઉપરાંત, રાજવી સમયની ઐતિહાસિક ધરોહર સમાન રાઈફલ હાઉસની ઈમારતનું રિનોવેશન કરી તૈયાર કરવામાં આવેલી જીલ્લા ટ્રાફિક શાખાની નવી કચેરી તથા પોલીસ પરિવારોના કલ્યાણ અર્થે પોલીસ વેલ્ફેર સંચાલિત ‘દૂધ વેચાણ કેન્દ્ર’ પણ ખુલ્લું મુકવામાં આવ્યું હતું આ ઉપરાંત ડી.આઈ.જી વિધિ ચૌધરી અને પોલીસ અધિક્ષક સફીન હસનના હસ્તે દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે, જીલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના નેતૃત્વમાં મહીસાગર પોલીસ દ્વારા ઊભી કરવામાં આવેલી આ આધુનિક અને સુવિધાયુક્ત વ્યવસ્થાઓથી પોલીસ પ્રશાસનની કામગીરી વધુ સુદૃઢ બનશે. આ સુવિધાઓ થકી પોલીસ વિભાગ પ્રજાલક્ષી કાર્યો અને સેવાઓ વધુ લોકાભિમુખ તથા અસરકારક રીતે પૂરી પાડશે તેવી પૂર્ણ આશા તેમણે વ્યક્ત કરી હતી.

આ લોકાર્પણ સમારોહમાં મહારાજા સિદ્ધરાજસિંહજી, લુણાવાડા નગરપાલિકા પ્રમુખ કીર્તિ પટેલ, નાયબ પોલીસ અધિક્ષકઓ, અગ્રણી દાતાઓ, નગરજનો તથા પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.