બોડેલીમાં મહિલા સ્વાસ્થ્ય માટે અનોખી સાડી દોડ : દોડ છોટાઉદેપુર ૨.૦ના પ્રિ-ઈવેન્ટ તરીકે આયોજન, ૧૫૦૦ મહિલાઓએ ભાગ લીધો

બોડેલી ખાતે મહિલા સ્વાસ્થ્ય અને સશક્તિકરણના સંદેશ સાથે એક અનોખી સાડી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડ દોડ છોટાઉદેપુર ૨.૦ મેરેથોનના પ્રિ-ઈવેન્ટ તરીકે યોજાઈ હતી, જેમાં આશરે ૧૫૦૦ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઈન્ડિયા અને ગુજરાત સરકારના ફિટ ગુજરાત અભિયાનને આગળ ધપાવવા છોટાઉદેપુર જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ દોડ ૧૩ ડિસેમ્બરના રોજ યોજાનારી મુખ્ય મેરેથોન પહેલા યોજાઈ હતી.

બોડેલી સેવા સદનથી અલીપુરા ચાર રસ્તા સુધી યોજાયેલી આ દોડમાં યુવતીઓથી લઈને સિનિયર સિટીઝન મહિલાઓ સુધીની બહેનોએ પરંપરાગત સાડી પહેરીને ભાગ લીધો હતો. તેમણે સ્વસ્થ નારી, સશક્ત સમાજનો સંદેશ આપ્યો હતો.

સેવા સદન ખાતે ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી, જીલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, શિક્ષણશાસ્ત્રી ડો. તનુ જૈન, આસિસ્ટન્ટ કલેક્ટર મુસ્કાન ડાંગર, ડીડીઓ સચિન કુમાર અને તાલુકા પંચાયત પ્રમુખ હેમલત્તાબેન કોલી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું.

દોડ દરમિયાન મહિલાઓનો ઉત્સાહ વધારવા માટે વિવિધ કાર્ટૂન કેરેક્ટર અને ડીજેની વ્યવસ્થા કરવામાં આવી હતી. જીલ્લા કલેક્ટર ગાર્ગી જૈન પણ મહિલાઓ વચ્ચે સડક પર બેસી ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા, જેણે દોડવીરોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો. મહાનુભાવોએ પણ તેમની સાથે જોડાઈને ચિયરઅપ કર્યું હતું.

આ દોડમાં રાઠોડ અનિતાબેન વિજયસિંહે પ્રથમ ક્રમ, બારિયા રશ્મિકાબેન રાવજીભાઈએ દ્વિતીય ક્રમ, જ્યારે રાઠવા સંધ્યાબેન અર્જુનભાઈએ તૃતીય ક્રમ મેળવ્યો હતો.

દોડ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત મહિલાઓ, પોલીસ કર્મચારીઓ, મહાનુભાવો અને નગરજનોએ સાથે મળીને રાષ્ટ્રગીત ગાઈ દેશપ્રેમની લાગણી વ્યક્ત કરી હતી. આ સમગ્ર આયોજન દ્વારા મહિલા સ્વાસ્થ્ય, ફિટનેસ, આત્મવિશ્ર્વાસ, આત્મનિર્ભરતા અને મહિલા સશક્તિકરણનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.