દાહોદના ઊંડાર ગામે મગર દેખાતાં ગ્રામજનોમાં ફફડાટ : વન વિભાગ અને રેસ્ક્યુ ટીમ દ્વારા કોતર-તળાવમાં વ્યાપક શોધખોળ

દાહોદ જીલ્લાના ઊંડાર ગામે કોતરમાં મગર દેખાતાં જ ગ્રામજનોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ગામ નજીકના કોતર વિસ્તારમાં મગરની હાજરી અંગે જાણ થતાં જ લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. સ્થાનિકોની સૂચના મળતાં જ વન વિભાગના કર્મચારીઓ તેમજ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. મગરને ઝડપી પાડવા માટે ગામ નજીકના નજીકના કોતર તેમજ તળાવ વિસ્તારમાં વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી છે, તપાસ દરમિયાન મગર ચેકડેમની પાળ પરથી પાણીમાં કૂદ્યો હોવાની વિગતો આવતાં રેસ્ક્યુ કામગીરી સરળ બનાવવા માટે કોતરનું પાણી ખાલી કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આ રેસ્ક્યુ ઓપરેશનમાં વન વિભાગના અધિકારીઓ સ્થાનિક રેસ્ક્યુ ટીમના ઝુઝર ભાઈ તેમજ પ્રતીક ભાઈની ટીમે પણ જોડાઈને તપાસ હાથ ધરી છે. મગર હજુ સુધી મળી આવ્યો ન હોવાથી વન વિભાગ દ્વારા ગ્રામજનો અને આસપાસના વિસ્તારના લોકોને સાવચેત રહેવા અને કોતર કે તળાવ કિનારે ન જવાની અપીલ કરવામાં આવી છે.