હાલોલ પંથકની સગીર વયની દિકરીને લલચાવી ફોસલાવીને અપહરણ કરી જવાના કેસમાં પંચમહાલ જિલ્લાની હાલોલ સ્થિત સ્પે.પોકસો કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવી બે વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મુળ બિહારના પશ્ર્ચિમ ચંપારણ જિલ્લાના શિકારપુર થાણા હેઠળના મલદહીયા પોખરીયા ગામનો રહેવાસી સમીર સલીમ શેખ ગત તા.૦૧/૦૪/૨૫ ના રોજ હાલોલ વિસ્તારમાંથી એક સગીરાને લલચાવી-ફોસલાવી તેના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયો હતો. આ બનાવ સંદર્ભે સગીરાના પરિવારે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપી સમીર સલીમ શેખની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી. આ કેસ પંચમહાલ જિલ્લાના સ્પે.જજ તથા એડિશનલ સેશન્સ જજ વી.એન.મપારાની અદાલતમાં ચાલી ગયો હતો. સુનાવણી દરમિયાન મદદનીશ સરકારી વકીલ એલ.આર.શેઠ દ્વારા દલીલો કરવામાં આવી હતી. અદાલતે તમામ પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી સમીર સલીમ શેખને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને ૨ વર્ષની સખ્ત કેદની સજા તથા .૫ હજારનો દંડ ફટકાર્યો છે.