ગરબાડાના ભે ગામે વડીલોપાર્જિત ખેતીની જમીન પચાવી પાડ્યાના વિવાદમાં ૪ સામે ફરિયાદ

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભે ગામે વડીલોપાર્જિત ખેતીની જમીનમાં કબ્જાને લઈ વર્ષોથી ચાલતો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી વારસદારોને હકકથી વંચિત રાખ્યાના આક્ષેપ સાથે ચાર શખ્સો વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ મુજબ ભે ગામના હાંડિયા ફળિયામાં રહેતા નારસીંગભાઈ ભુરીયાના પરિવારની વડીલોપાર્જિત જમીનનો જુનો ખાતા નં.-૧૩૪ અને નવો ખાતા નં.-૨૩૪ છે. આ જમીનનો જુનો રે.સ.નં.-૨૫૫ અને નવો રે.સ.નં.-૧૪ છે. આશરે ૧.૬૮ હેકટર જમીન અંગે ભલાભાઈ ભુરિયા, માનીયાભાઈ ભુરિયા, મગનભાઈ ભુરિયા અને પ્રતાપભાઈ ભુરિયા સામે વિવાદ ચાલી રહ્યો છે. ફરિયાદમાં જણાવયા અનુસાર વર્ષ-૧૯૬૬ના કથિત વેચાણ કરારના આધારે સામેવાળા પક્ષે જમીનનો કબ્જો જાળવી રાખ્યો છે. આ જમીન અંગે દાહોદ સિવિલ કોર્ટમાં દાવો તેમજ મહેસુલી કચેરીઓમાં વિવિધ અરજીઓ અને અપીલો થઈ હતી. ફરિયાદી પક્ષના જણાવ્યા મુજબ અનેક હુકમો તેમની તરફેણમાં આવ્યા હોવા છતાં જમીનનો કબ્જો સોંપાયો નથી. આ મામલે કલેકટર સમક્ષ લેન્ડગ્રેબિંગ કાયદા હેઠળ અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ કલેકટરની કચેરીના આદેશના પગલે ફરિયાદ નોંધાવવા કાર્યવાહી હાથ ધરાઈ છે.