છોટાઉદેપુરના સુખી ડેમ પાણીથી ભરેલો હોવા છતાં ૪૦ ગામોના ખેડુતો સિંચાઈના પાણીથી વંચિત

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સિહોદ તેમજ બોડેલી તાલુકાના અલગ અલગ ૪૦ થી વધુ ગામોના ખેડુતો સિંચાઈના પાણીથી વંચિત હોવાની ફરિયાદ સામે આવી છે.

એક તરફ સુખી ડેમ છલોછલ ભરેલો છે તો બીજી તરફ કેનાલમાં પાણી ન છોડાતા ખેડુતોના ઉભા પાકોને નુકસાન થવાની ભિતી સેવાઈ રહી છે. પાવીજેતપુર તાલુકામાં સોૈથી મોટો ડેમ સુખી ડેમનુ પાણી ખેડુતો માટે આર્શિવાદ સમાન છે. સુખી ડેમમાંથી નીકળતી કેનાલ પાવીજેતપુર અને બોડેલી તાલુકાના ખેડુતોને સિંચાઈનુ પાણી પુ‚ પાડવા માટે બનાવી છે. ખેડુતોના જણાવ્યા મુજબ છેલ્લા બે વર્ષથી કેનાલમાં નિયમિત રીતે પાણી છોડાતુ નથી. હાલમાં ઓછા વરસાદ અને નદીનાળા સુકાઈ જવાના કારણે ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયો છે. કપાસ, તુવેર, ડાંગર અને મકાઈ જેવા પાકોને આ સમયે પાણીની અત્યંત જરૂર છે. પરંતુ કેનાલમાં પાણી નહિ છોડાતા ખેડુતોના ઉભા પાકો સુકાઇ રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. ખેડુતોના જણાવ્યા મુજબ વિભાગ દ્વારા કેનાલની મરામત કરવામાં ન આવતા પાણી પહોંચાડવાની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે.પરિણામે ડેમમાં પુરતુ પાણી હોવા છતાં ખેડુતો તેનો લાભ મેળવી શકતા નથી. આ સમસ્યાને લઈ પાવીજેતપુર તાલુકાના ખેડુતોએ સુત્રોચ્ચાર કરી તંત્રનુ ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો.