લીમખેડા નજીક હાઇવે પર એક ટ્રાવેલ્સ બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરી રહેલા બિહારના શ્રદ્ધાળુ યાત્રીને અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજયું હતુ.
બિહારના શાહપુર તાલુકાના પકડીયાહાર ગામના રહેવાસી રામદયાલ પરીક્ષણ મનબોધ ભગત અને તેમના ગામ તેમજ આસપાસના અન્ય લોકો સ્લીપર કોચ લકઝરી બસ ભાડે કરી કાશી વિશ્ર્વનાથ મંદિર, વિધ્યાંચલ મંદિર, મહાકાળ (ઉજજૈન), ના દર્શન કરી ગુજરાતમાં સોમનાથ અને દ્ધારકાના દર્શનાર્થે નીકળ્યા હતા. આ બસ ગુજરાતના દાહોદ જિલ્લામાંથી પસાર થઈ મંગલમહુડી-દાભડા ગામ વચ્ચે હાઈવે પર આવી પહોંચી હતી. મુસાફરોને જમવાનુ બનાવવાનુ હોવાથી લકઝરી બસના ડ્રાઈવરે બસને લીમખેડા નજીક મંગલમહુડી-દાભડા ગામ પાસે હાઈવેની બાજુમાં દશામાંના મંદિરના ખુલ્લા કમ્પાઉન્ડમાં ઉભી રાખી હતી. તમામ મુસાફરો બસમાંથી નીચે ઉતર્યા હતા.ત્યારે દિનાનાથ રામાયણ ભગત(ઉ.વ.૬૫)લઘુશંકા માટે હાઈવે ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે પુરપાટ આવી રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે દિનાનાથ ભગતને ટકકર મારી હતી. તેથી તેઓ રોડ પર ફંગોળાતા ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં ધટના સ્થળે જ બેભાન થઈ ગયા હતા. અકસ્માત સર્જીને ચાલક પોતાનુ વાહન લઈને નાસી છુટ્યો હતો. આસપાસના લોકો ભેગા થઈ ૧૦૮ મારફતે ઈજાગ્રસ્તને નજીકને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જયાં ફરજ પરના તબીબે દિનાનાથ ભગતને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ સંદર્ભે રામદયાળ પરીક્ષણ ભગતે નોંધાવેલી ફરિયાદના આધારે લીમખેડા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.