નસવાડીના રતનપુરા જુથ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ : ગ્રામજનોમાં રોષ

નસવાડી તાલુકાના રતનપુરા ગામે ૧૫માં નાણાંપંચની યોજનામાં સરપંચે બોર કર્યા વિના જ નાણાં ઉપાડી લીધા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કરતા સરપંચના ભ્રષ્ટાચારને ઉજાગર કર્યા છે.

રતનપુરા જુથ ગ્રામ પંચાયતમાં ૭ ગામોનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા ૧૫માં નાણાંપંચની યોજના હેઠળ સીધા ગ્રામ પંચાયતોને નાણાં ફાળવે છે. આ ગ્રાન્ટમાંથી સરપંચ દ્વારા વિકાસના કામો કરવાના હોય છે. રતનપુરા ગ્રામ પંચાયત દ્વારા ડુંગરી ફળિયામાં બોર અને મોટર મુકવાનુ કામ દર્શાવ્યુ હતુ. પરંતુ કામ કર્યા વિના જ નાણાં ઉપાડી લેવામાં આવ્યા હોવાના આક્ષેપ છે. ત્રણ જેટલા કામોમાં નાણાં ઉપાડી લેતા ગ્રામજનોએ સમગ્ર મામલો ઉજાગર કર્યો હતો. આ મામલે ગ્રામજનોએ લેખિતમાં તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરી હોવા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ કરતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. તંત્રનુ ધ્યાન દોરવા માટે ગ્રામજનો એકત્રિત થયા હતા. અને ભ્રષ્ટાચારી અધિકારીઓને સસ્પેન્ડ કરો, ભ્રષ્ટાચારી સરપંચને સસ્પેન્ડ કરો, તેવા સુત્રોચ્ચાર કર્યા હતા. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, જે વિસ્તારોમાં વિકાસના કામો દર્શાવ્યા છે તે કામો ન થયા છતાં સરકારી ચોપડે નાણાંનો ખર્ચ દર્શાવી દીધો છે. આ મામલે યોગ્ય તપાસ કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની પણ ગ્રામજનોએ ચિમકી ઉચ્ચારી છે.