છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પાલા ગામ નજીક મેણ નદીના સામા કાંઠે આવેલુ પ્રાચિન અને આસ્થાનુ કેન્દ્ર ગણાતુ ભગવાન રણછોડરાયનુ મંદિર હજારો ભકતોની શ્રદ્ધાનુ કેન્દ્ર છે. વર્ષ દરમિયાન ગુપુર્ણિમા, જન્માષ્ટમી, સહિતના વિવિધ ધાર્મિક પ્રસંગોએ ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં ભકતો દર્શનર્થે આવે છે. તેમ છતાં વર્ષોથી મેણ નદી પર પુલ ન હોવાથી ખાસ કરીને ચોમાસાના ચાર મહિના દરમિયાન ભકતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
વાલા ગામથી મંદિર સુધી સીધો રસ્તો ઉપલબ્ધ હોવા છતાં વચ્ચે મેણ નદી આવતી હોવાથી ચોમાસામાં આ માર્ગ સંપુર્ણપણે બંધ થઈ જાય છે. પરિણામે ભકતોને આમરોલી ગામ તરફથી ધરેલી ગામના ગામના માર્ગે લાંબો ફેરો ફરીને મંદિર સુધી પહોંચવુ પડે છે. આ વિકલ્પ માર્ગને કારણે અંદાજે ૧૦ થી ૧૫ કિ.મી.જેટલુ વધારાનુ અંતર કાપવુ પડે છે. જેના કારણે સમય, ખર્ચ અને મુશ્કેલીમાં વધારો થાય છે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં વર્ષોથી મેણ નદી પર નાનો પુલ બનાવવાની માંગ કરી છે. અનેક વખત રજુઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ સકારાત્મક નિર્ણય લેવાયો નથી. ચોમાસામાં નદીમાં પાણીનો પ્રવાહ વધતા સીધા સ્તરેથી અવર જવર સંપુર્ણપણે બંધ થઈ જાય છે. જેના કારણે માત્ર ભકતો જ નહિ પરંતુ આસપાસના ગામોના લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.