છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં સત્તા પરીવર્તન બાદ હવે વિપક્ષના નેતાને ચેમ્બર ફાળવવાના મુદ્દે વિવાદ સર્જાયો છે. વિપક્ષના નેતા તરીકે નિમાયેલા આમ આદમી પાર્ટીના રાજેશભાઈ લગામીને હજુ સુધી કાર્યાલયનો ચાર્જ મળ્યો નથી. જિલ્લા પંચાયત દ્વારા ચેમ્બર ફાળવવામાં આવ્યો હોવાનુ જણાવવામાં આવ્યુ છે. પરંતુ તે ચેમ્બરની ચાવી ઉ૫લબ્ધ ન હોવાથી તેઓને ચેમ્બરનો ઉપયોગ કરી શકતા નથી. આ સમગ્ર મામલે રાજકિય ચર્ચાઓ તેજ બની છે.
તાજેતરમાં યોજાયેલી જિલ્લા પંચાયતની ચુંટણીમાં ભાજપે ૧૯ બેઠકો સામે બહુમતી મેળવી જિલ્લા પંચાયતની સત્તા સંભળી છે. જયારે આમ આદમી પાર્ટીએ ૧૩ બેઠકો જીતતા મુખ્ય વિપ તરીકે સ્થાન મેળવ્યુ છે. ભાજપ દ્વારા પ્રમુખની પસંદગી ઉ૫રાંત વિવિધ સાત સમિતિઓના ચેરમેનની પણ નિમણુંક કરી છે. આમ આદમી પાર્ટીએ છોટાઉદેપુર તાલુકાની બેઠક પરથી ચુંટાયેલા જિલ્લા પંચાયત સભ્ય રાજેશભાઈ લગામીને વિપક્ષના નેતા તરીકે નિયુકત કર્યા છે. જિલ્લા પંચાયતમાં વર્ષોથી ફાળવવાની પરંપરા ચાલી આવી છે. જોકે આ વખતે ચેમ્બર ફળવાયો હોવા છતાં તેની ચાવી ગુમ હોવાનુ કારણ દર્શાવવામાં આવતા વિપક્ષે ગંભીર પ્રશ્ર્નો ઉઠાવ્યા છે. વિપક્ષના નેતા રાજેશભાઈ લગામીનો આક્ષેપ છે કે, જિલ્લા પંચાયતનુ નવુ શાસન આવ્યા બાદથી વિપક્ષને પુરતી સુવિધાઓ અપાતી નથી અને શઆતથી જ દબાણનુ વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી તેમજ સંબંધિત અધિકારીઓ સમક્ષ લેખિત તેમજ મોૈખિક રજુઆત કરી જણાવ્યુ છે તેમ છતાં હજુ સુધી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.